- ગળા પર ઓઢણી અને વાયર વીંટેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા અજાણ્યા શખસે ગળેટૂંપો દઈ હત્યાને અંજામ આપ્યાની શક્યતા, મૃતકની ઉંમર 25થી 30 વર્ષની હોવાનું અનુમાન
- FSL ટીમે બોડીને તપાસતા યુવતીની લાશ હોવાની જાણ થઇ, ઓળખ મેળવવા તપાસ શરૂ

વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં ઝાડી-ઝાંખરામાંથી એક યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના ગળા પર ઓઢણી અને વાયર વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અજાણ્યા શખસે ગળેટૂંપો દઈ હત્યાને અંજામ આપ્યાની શક્યતા છે. મૃતકની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસે અજાણી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના અંકોડિયા ગામની સીમમાંથી ઝાડી-ઝાંખરામાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે સ્થાનિક જણાવ્યું હતું કે, આ રસ્તો અમારા ખોડિયાર માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા-ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે. ત્યાં ખેડૂત શારદાબેન મનુભાઈ વાણંદનું ખેતર છે. સાંજે ખેડૂતો ખેતરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઈ હતી કે અહીં એક બોડી પડેલી છે. આખી ચાદર સાથે બોડી વીંટાળેલી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ અને એફએસએલ (FSL) ટીમ આવીને બોડીને તપાસી, ત્યારે ખબર પડી કે આ એક યુવતીની લાશ છે.

વધુમાં કહ્યું કે, આ બોડી જોતા એવું લાગે છે કે તેના ગળા પર કોમ્પ્યુટર વાયર જેવો પ્લગ વાળો વાયર વીંટાળેલો હતો અને ઉપર ઓઢણી ઓઢાડેલી હતી. મૃતકની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં આ યુવતી કોણ છે અને ક્યાંની છે તે જાણવા માટે પોલીસે ઓળખ પ્રક્રિયા હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ તેજ કરી છે.


આ ઘટના અંગે તાલુકા પી આઈ જે કે ડાંગરે જણાવાયું હતું કે, ઘટનાની જાણ થતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે અમે હત્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


