વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પાણીમાં ડૂબી જવાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. સાવલીના ઝવેરીપુરા ગામના તળાવમાં માછલી પકડવા ગયેલા એક યુવકનો મૃતદેહ આજે મળી આવ્યો છે, જ્યારે ગતરોજ પોઈચા બ્રિજ પાસે નદીમાં ડૂબી જવાથી અન્ય એક યુવકે જીવ ગુમાવ્યો હતો.

સાવલીના ઝવેરીપુરા ગામે રહેતા 40 વર્ષીય ગોપાલભાઈ ભુપતભાઈ રાઠોડ ગત મોડી રાત્રે ગામના તળાવમાં માછલી પકડવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ અંધારું થઈ જવાથી કામગીરી અટકાવવી પડી હતી. આજે વહેલી સવારે સ્થાનિક લોકોની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

આ અગાઉ ગતરોજ સાવલી-ડાકોર રોડ પર આવેલા પોઈચા બ્રિજ પરથી એક યુવકે નદીમાં છલાંગ લગાવી હતી. વડોદરા ફાયર વિભાગની બે ટીમોએ ભારે જહેમત બાદ બે કલાકની શોધખોળના અંતે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ, સાવલી પંથકમાં માત્ર 48 કલાકમાં જ જળસમાધિની બે ઘટનાઓથી અરેરાટી વ્યાપી ગઈ છે.
ઝવેરીપુરાની ઘટના અંગે સાવલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


