સુરતમાં 2 કરોડની લૂંટ કેસમાં 4 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી શોધીને ઝડપી પાડ્યો

સુરત 2 કરોડની લૂંટ બાદ આરોપી વડોદરાનું ઘર છોડીને આણંદમાં રહેવા ગયો હતો

MailVadodara.com - The-accused-who-was-absconding-for-4-years-in-the-Rs-2-crore-robbery-case-in-Surat-was-traced-and-arrested-by-the-Vadodara-Crime-Branch-from-Anand

- વરાછા પોલીસમાં વર્ષ 2022માં નોંધાયેલા લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર યુનુસભાઈ વોરને ફરાર જાહેર કરાયો હતો, આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો

સુરતમાં વર્ષ 2022માં બે કરોડ રૂપિયાની લૂંટના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદમાંથી શોધી કાઢીને ધરપકડ કરી છે. આરોપી સમીર યુનુસભાઈ વોરા (ઉં. 42, રહે. સરસ્વતી કોમ્પ્લેક્સ, સુપર બેકરી સામે, આજવા રોડ, વડોદરા, હાલ રહે.કિસ્મત સોસાયટી, સલાટીયા રોડ, આણંદ)ને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે. આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર યુનુસભાઈ વોરાને સુરત શહેર પોલીસે ફરાર જાહેર કર્યો હતો. આ ગુનો થયા બાદ આરોપી ધરપકડ ટાળવા માટે ફરાર થઈ ગયો હતો અને સુરત પોલીસને પણ તે મળ્યો ન હતો. ત્યારબાદ તેને નાસતો ફરતો જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી વડોદરાનો રહેવાસી હોવાની માહિતી મળતાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગુનો થયા બાદ આરોપી વડોદરાનું ઘર છોડીને આણંદમાં રહેવા ગયો છે અને હાલ ત્યાં જ રહે છે. માહિતીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદમાં ખાનગી રીતે સતત ખાતરી તપાસ કરી હતી. આણંદના 100 ફૂટ રોડ, દીયા સિનેમા કોમ્પ્લેક્સ ખાતેથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવણી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી અને ખાતરી તપાસ પછી આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવ્યો હતો.

આ ગુનાની ટૂંકી વિગતો અનુસાર, ફરિયાદી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માગતો હતો. આરોપીઓએ તેને મોટો નફો થશે તેવી લાલચ આપી અને પૂર્વ આયોજિત કાવતરા હેઠળ તા. 4 ફેબ્રુઆરી 2022ના રોજ બપોરે 12.30થી 2 વાગ્યાની વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાં સેન્ટ્રલ બજાર ખાતેની શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ફરિયાદીએ બે કરોડ રૂપિયા રોકડમાં આપ્યા હતા. જોકે આરોપીઓએ રકમ ટ્રાન્સફર ન કરી અને મારામારી કરીને રોકડ લૂંટી લીધી હતી. આ ગુનાની તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી અને આરોપી ચાર વર્ષથી ફરાર હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સફળતાથી આ નાસતા ફરતા આરોપીને ઝડપીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments