- વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે આરોપીનો લેટેસ્ટ ફોટો નહોતો, આરોપી ફિરોઝખાન પઠાણને મોઢા પર એક મસો હતો અને તે ગુટખા ખાવાની આદત ધરાવતો હતો
- આરોપી મહારાષ્ટ્રમાં હોવાની પુષ્ટિ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પો ડ્રાઇવર, ફૂડ ડિલિવરી બોય અને ગ્રાહકનો વેશ ધારણ કરીને 3 દિવસમાં 100 કિમી ફરી આરોપીને દબોચી લીધો

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરા શહેરમાં સગીરાના અપહરણના કેસમાં છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી નાસતા ફરતા એક આરોપીની મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર તેમજ સામાન્ય ગ્રાહકનો વેશ ધારણ કર્યો હતો અને પોતાની ઓળખ છુપાવી રાખીને તેને શોધી કાઢ્યો હતો.


વડોદરા શહેરનાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી ફિરોઝખાન મુસ્તાકખાન પઠાણ સામે વર્ષ 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતાં આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. બી. એસ. વાળાની ટીમે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન આરોપી વસઈ-વિરાર વિસ્તારમાં હોવાની પુષ્ટિ થઈ હતી.
મુંબઈનો વસઈ-વિરાર એક ગીચ વિસ્તાર છે, જ્યાં ઓફિસો અને ઔદ્યોગિક વસાહતો વધુ છે. આરોપીને ઓળખવા માટે ટીમે ખાસ યુક્તિ અપનાવી હતી. આરોપીના મોઢા પર એક મસો હતો અને તે ગુટખા ખાવાની આદત ધરાવતો હતો અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ મર્યાદિત માહિતીના આધાર પોલીસેે તપાસ શરૂ કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પો ડ્રાઇવર, ફૂડ ડિલિવરી બોય અને ગ્રાહકનો વેશ ધારણ કરીને 3 દિવસ સુધી ખાનગી રીતે રેકી કરી હતી. આ દરમિયાન આરોપી ફિરોઝખાન મુસ્તાકખાન પઠાણ (ઉંમર.55 વર્ષ, હાલનું રહેઠાણ એકરોપોલીસ એપાર્ટમેન્ટ, વિરાર વેસ્ટ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર, મૂળ રહેઠાણ સલીમપુર ગામ, તાલુકો-ખાગા, થાના-ખાગા, જિલ્લો ફતેહપુર, ઉત્તરપ્રદેશ) વિરાર ઇસ્ટ વિસ્તારમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું શોધી કાઢ્યું હતું. યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વિરાર ઈસ્ટમાં `ઈન્ફિનિટી સ્ક્વેર' નામનું મોટું કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો. એના ગાલ પર મસો હતો અને એ વિમલ ખાતો હતો. પોલીસ કર્મીએ ગ્રાહક બનીને એને વાતચીતમાં પરોવ્યો અને પૂછ્યું કે "તમે ગુજરાતમાં રહેતા હતા?" પછી નામ પૂછતા એણે સાચું નામ 'ફિરોઝ' જણાવ્યું હતું. એનું આધારકાર્ડ ચેક કરતા ખાતરી થઈ ગઈ કે આ જ આરોપી છે. ત્રણ દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચી લીધો હતો.


