તરસાલીમાં ટુ-વ્હીલર પર જતી યુવતીને ધક્કો મારી નીચે પાડી દઈ પર્સ લૂંટનાર ફરાર આરોપી ઝડપાયો

લંડન જતા પહેલા પિતાએ આપેલા પૈસા તરસાલીમાં બેંકમાં જમા કરાવવા જતા ઘટના બની હતી

MailVadodara.com - The-absconding-accused-who-pushed-a-girl-riding-a-two-wheeler-down-and-robbed-her-of-her-purse-in-Tarsali-has-been-arrested

- ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મકરપુરા એરફોર્સ પાછળના રોડ પરથી આરોપી સંદીપ મહેન્દ્રસિંહ જાદવને ઝડપી રોકડ, મોબાઈલ સહિત મોપેડ મળી કુલ 1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બે અજાણ્યા ઇસમોએ ઓલા ટુ-વ્હીલર પર સવાર યુવતીને ધક્કો મારી નીચે પાડી દઈ પર્સ ઝૂંટવી લીધું હતું. આ ઘટનામાં પર્સમાં રહેલ 53,500ની રકમ હોવાનું સામે આવ્યું છે. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીને હાલમાં ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી સંદીપ મહેન્દ્રસિંહ જાદવ (રહે. ઝવેરનગર મકરપુરા ડેપો પાછળ, મૂળ ભૂખી ગામ પંચમહાલ)ને મકરપુરા એરફોર્સ પાછળના રોડ પરથી ઝડપી આરોપી પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ સહિત મોપેડ મળી કુલ 1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ આરોપી અગાઉ મકરપુરા પોલીસ મથકમાં મારામારીના ગુન્હામાં ઝડપાયેલ હોવાનું સામે આવ્યું છે.


આ પર્સ સ્નેચિંગની ઘટનામાં ફરિયાદી ઉપેક્ષા હાર્દીકકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓના પિતા ગત 10 ફેબ્રુઆરીના રોજ લંડન ગયા હતા. તેમણે ફરિયાદીને રૂ.50,000 રોકડા બેંકમાં જમા કરાવવા આપ્યા હતા. યુવતી આ રકમ બેંકમાં જમા કરાવવા માટે ગઈ હતી પરંતુ બેંકમાં હડતાળ હોવાથી જમા કરાવી શકી ન હતી. જેથી પોતાની પાસેની અને પિતાની રકમ પર્સમાં રાખી હતી.

બાદમાં તે તરસાલી આદેશ રેસીડન્સી ખાતે દાદી પાસે ગઈ હતી. સાંજના લગભગ 7 વાગ્યે પોતાના 3 વર્ષના દીકરા વિહાનને લઈને ઓલા ટુ-વ્હીલર પર લક્ષ્મી સ્વીટ ફરસાણની સામે સોમનાથ નગર પાસેથી પરત આવતી વખતે આદેશ રેસીડન્સીના ગેટ પાસે ઉમા વિદ્યાલયની પાછળ આવેલ સ્પીડ બ્રેકર પસાર કરતી વખતે બે અજાણ્યા લોકો બાઇક પર આવ્યા હતા. તેમણે ફરિયાદીના વાહનને ધક્કો મારી પછાડ્યું અને પછી પર્સ ઝૂંટવી લઈને ભાગી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જે પી રોડ પોલીસ મથક અને લક્ષ્મીપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં લૂંટની ઘટનો સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં આરોપીઓ એક જ હોય એવી હાલમાં પોલીસને આશંકા છે અને આ મામલે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

Share :

Leave a Comments