વડોદરા પાલિકા પાણીના પ્રોજેક્ટ્સ અને જળ સંચયના કાર્યો માટે ભંડોળ એકત્રિત કરવા બ્લુ બોન્ડ બહાર પાડશે

બ્લુ બોન્ડ બહાર પાડવા માટે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર મંજૂરી પણ આપી દેવામાં આવી

MailVadodara.com - The-Vadodara-Municipal-Corporation-will-issue-blue-bonds-to-raise-funds-for-water-projects-and-water-conservation-initiatives

- શહેરમાં ટ્રાફિક નિયમન અને અકસ્માતો અટકાવવા નવા 27 ટ્રાફિક સિગ્નલ બનાવાશે

- વડોદરા શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા 600 નવા સીસીટીવી કેમેરા લગાવાશે

- શહેરના બગીચાઓમાં સિનિયર સિટિઝન્સ માટે ખાસ હિંચકા મુકવામાં આવશે

- પાણી, ટ્રાફિક, સુરક્ષા અને બગીચા ક્ષેત્રે પાલિકા દ્વારા વિવિધ આયોજન હાથ ધરાયું

વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ પાસે કામની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિકાસ કર્યો હાલમાં કેટલા ચાલી રહ્યા છે અને જે કામો ચાલે છે તે કઈ સ્થિતિમાં છે તે અંગેની સમીક્ષા કરવામાં આવી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા રિવ્યૂ બેઠક લેવામાં આવી હતી.

વડોદરા શહેરના સુચારુ વિકાસ અને નાગરિકોની પાયાની સુવિધાઓમાં વધારો કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં અવારનવાર સર્જાતી પીવાના પાણીની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે પાલિકા તંત્ર દ્વારા એક મોટો અને મહત્વકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા હવે પીવાના પાણીના પ્રોજેક્ટ્સ અને જળ સંચયના કાર્યો માટે ભંડોળ એકત્રિત કરવાના હેતુથી બ્લુ બોન્ડ બહાર પાડશે. આ બ્લુ બોન્ડ બહાર પાડવા માટે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આગામી ટૂંક સમયમાં આ બ્લુ બોન્ડ બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય રિવ્યુ બેઠકમાં બ્લુ બોન્ડના આયોજન અંગે વિગતવાર સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે આ અંગેની સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે, બ્લુ બોન્ડથી મળનારા ભંડોળનો ઉપયોગ શહેરની પાણી પુરવઠા યોજનાઓને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી પૂરું પાડવા માટે કરવામાં આવશે. આ નિર્ણયથી આવનારા સમયમાં વડોદરા શહેરની પીવાના પાણીની સમસ્યામાં મોટો રાહત મળશે તેવી શક્યતા છે.

પાણી પુરવઠા ઉપરાંત વડોદરા શહેરમાં વ્યાપક બની રહેલી વાહનવ્યવહાર અને સુરક્ષાની સ્થિતિને સુધારવા માટે પણ પાલિકાએ કમર કસી છે. ટ્રાફિકનું નિયમન યોગ્ય રીતે થાય અને માર્ગ અકસ્માતો અટકે તે હેતુથી વડોદરા શહેરમાં નવા 27 ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાખોરી પર નજર રાખવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ 600 સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય વડોદરાના સ્થાનિક બગીચાઓમાં આવતા સિનિયર સિટિઝન્સ અને વડીલો માટે એક અનોખી સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી સામાન્ય રીતે બગીચાઓમાં માત્ર બાળકો માટે જ હિંચકા જોવા મળતા હતા, પરંતુ હવે વડોદરાના બગીચાઓમાં ખાસ વડીલો પણ બેસી શકે અને આનંદ માણી શકે તેવા હિંચકાઓની વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. પાલિકાના આ નિર્ણયથી શહેરના વૃદ્ધોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ, પાણીની સમસ્યાથી લઈને વાહનવ્યવહાર, સુરક્ષા અને મનોરંજન ક્ષેત્રે વડોદરા પાલિકાએ મહત્વાકાંક્ષી પગલાં ભર્યા છે.

Share :

Leave a Comments