વડોદરાના મરી માતાના ખાંચામાં જાહેર રસ્તા પર કચરો ફેંકતા મોબાઇલ વેપારીઓને કોર્પોરેશને નોટિસ આપી

સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોર્પોરેશનની તપાસ, વેપારીઓને નિયમ પાલનની સૂચના

MailVadodara.com - The-Corporation-issued-notices-to-mobile-phone-traders-for-dumping-trash-on-a-public-road-in-Mari-Mata-no-Khacho-Vadodara

- દુકાનોમાં ડસ્ટબીન રાખવા સૂચના અપાઈ, બેદરકારી ચાલુ રહેશે તો દંડ અને સીલિંગની કાર્યવાહી કરાશે, રાજમહેલ રોડના મોબાઇલ માર્કેટમાં ગંદકી ફેલાવતા વેપારીઓને નોટિસ

વડોદરાના રાજમહેલ રોડ પર મોબાઇલ માર્કેટનો વિસ્તાર વધી રહ્યો છે, ત્યારે મરી માતાના ખાંચામાં આવેલી મોબાઇલ એસેસરીઝ અને રિપેરિંગની દુકાનોની આસપાસ ગંદકીની સમસ્યા સામે આવી છે. અનેક દુકાનો બહાર કાગળ અને પ્લાસ્ટિકનો કચરો જાહેર રસ્તા પર ફેંકવામાં આવતો હોવાની સ્થિતિ વચ્ચે કોર્પોરેશનની સેનેટરી શાખાએ સ્થળ નિરીક્ષણ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનો આગળ કચરો જોવા મળતાં સંબંધિત દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે.

શહેરના મરી માતાના ખાંચામાં મોટી સંખ્યામાં મોબાઇલ એસેસરીઝ અને મોબાઇલ રિપેરિંગની દુકાનો આવેલી છે. અહીં વેપાર વધવાની સાથે જાહેર રસ્તા પર કચરો ફેંકવાની બેદરકારી પણ જોવા મળી રહી છે. દુકાનોમાંથી નીકળતા પેકિંગના કાગળ અને પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર ઠેરઠેર પડેલો જોવા મળે છે. તેના કારણે જાહેર સ્થળોની સ્વચ્છતા સામે સવાલો ઊભા થયા છે.

વડોદરા કોર્પોરેશનની સેનેટરી શાખા દ્વારા ગતરોજ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મરી માતાના ખાંચામાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે દુકાનોની બહાર કચરો જોવા મળ્યો હતો, તે દુકાનદારોને નોટિસ આપીને દુકાનમાં ડસ્ટબીન રાખવા અને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. 

કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આ વિસ્તારમાં પહેલી વખત નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાથી હાલ દુકાનદારોને સૂચના અને નોટિસ આપવામાં આવી છે. જો ત્યારબાદ પણ વેપારીઓ બેદરકારી દાખવશે અને જાહેર રસ્તા પર કચરો ફેંકવાનું ચાલુ રાખશે, તો દંડ ફટકારવા ઉપરાંત દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. જાહેર રસ્તાઓને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર કોર્પોરેશનની જ નહીં, પરંતુ વેપારીઓની પણ છે. દુકાનમાંથી નીકળતો કચરો જાહેર રસ્તા પર ફેંકવાને બદલે ડસ્ટબીનમાં એકત્રિત કરવામાં આવે અને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે, તેવી અપીલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

Share :

Leave a Comments