- લાંચ નહીં આપો તો બિલ અટકાવવાની વાત કરી કોન્ટ્રાક્ટરને ફોન કર્યાનો આક્ષેપ
- શિનોર તાલુકા પંચાયતના સિવિલ એન્જિનિયર સહિત બે સામે ગુનો નોંધવાની કાર્યવાહી
સરકારી કામનું બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી બિલની રકમના 9 ટકા લેખે રૂ.25 હજારની લાંચ માગવાના મામલે વડોદરા ACBએ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં છટકું ગોઠવી ખાનગી વ્યક્તિને રૂ.25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલામાં શિનોર તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ આઉટસોર્સિંગથી ફરજ બજાવતી સિવિલ એન્જિનિયર સહિત બે સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વિવિધ ગામોમાં પ્રોજેક્ટ હેઠળ સિવિલ કોન્ટ્રાક્ટરે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામ કર્યું હતું. આ કામોના બિલની રકમ ચૂકવવા માટે આરોપી નીધીબેન રમેશ તડવી સિવિલ એન્જિનિયર, સ્વચ્છ ભારત મિશન, તાલુકા પંચાયત શિનોર (આઉટસોર્સ) દ્વારા મ બિલના 9 ટકા લેખે રૂ.25 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.
લાંચની રકમ નહીં આપે તો બિલ અટકાવી રાખવાની વાત કરી વારંવાર ફોન કરી કોન્ટ્રાક્ટરને હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી કોન્ટ્રાક્ટરે વડોદરા શહેર ACBનો સંપર્ક કરતાં ફરિયાદના આધારે એસીબી પીઆઇ ટ્રેપિંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિ તથા ટીમે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
છટકા દરમિયાન આરોપી નીધીબેન તડવીએ લાંચની રકમ આરોપી આશુતોષ ઉમાકાંત પાઠકને આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ ફતેગંજમાં સેફ્રોન ટાવરની સામે બેંક ઓફ બરોડા નજીકના કંપાઉન્ડ પાસે આશુતોષ પાઠકે રૂ.25 હજારની લાંચ સ્વીકારતા ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી લાંચની સમગ્ર રકમ રિકવર કરવામાં આવી છે. આ કેસમાં સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી લાંચની માંગણી કરનાર નીધીબેન રમેશ તડવી તથા લાંચ સ્વીકારનાર આશુતોષ ઉમાકાંત પાઠક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.


