વડોદરા જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાઘોડિયાના ટીંબી ખાતે કરાશે

રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે યોજાશે મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ

MailVadodara.com - The-77th-Republic-Day-celebration-at-Vadodara-district-level-will-be-held-at-Timbi-Waghodia

વડોદરા જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને આન-બાન-શાન સાથે જિલ્લા કક્ષાની ઉજવણી વાઘોડિયા તાલુકાના ટીંબી ખાતે થનાર છે, ત્યારે  આ ગૌરવશાળી રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી મુખ્ય ધ્વજવંદન કરાવશે અને તિરંગાને સલામી આપશે. ધ્વજવંદન બાદ મંત્રીશ્રી જિલ્લાના નાગરિકોને સંબોધન કરશે.

ટીંબી તાલુકા સેવા સદન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પોલીસ પરેડ, વિવિધ પ્લાટુન્સ દ્વારા માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીરો, વિશિષ્ઠ પ્રતિભાઓ, શ્રેષ્ઠ કામગીરી કરનારા સરકારી કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. ગણતંત્ર પર્વ નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબ્લોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવશે. બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા તાલુકા તંત્ર દ્વારા નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી અને અન્ય પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share :

Leave a Comments