- પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 10 લાખની કિંમતનો આઇશર ટેમ્પો, એક મોબાઈલ ફોન, જીપીએસ ટ્રેકર, પ્લાસ્ટિકના ગ્લાસ અને બોક્સ સહિત 28.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- દમણથી વડોદરા પહોંચાડવાનો હતો જથ્થો, મુખ્ય સૂત્રધાર સહિતના નેટવર્કની શોધખોળ શરૂ, 316 પેટીમાં 7,584 બોટલ-ટીન મળ્યા, ઉત્તરપ્રદેશના ડ્રાઇવરની ધરપકડ કરાઇ
વડોદરા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સ્થાનિક પોલીસની સાથે-સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પણ એક્શન મોડમાં છે. આ દરમિયાન વડોદરા ગ્રામ્ય LCBની ટીમને એક બહુ મોટી સફળતા મળી છે. પોલીસે મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર-4 પર વોચ ગોઠવીને પ્લાસ્ટિકની બોટલો, ગ્લાસ અને ખાલી ડબ્બાના બોક્સની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે.ખરસાણ તેમજ પો.સબ.ઇન્સ. પી.કે.ભુત અને તેમની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, એક આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ભરૂચ તરફથી મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ-વે થઈને વડોદરા તરફ જઈ રહ્યો છે. આ બાતમી મળતા જ એક્ટિવ થયેલી પોલીસે હાઇવે પર વ્યૂહાત્મક નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ આઇશર ટેમ્પોને અટકાવ્યો હતો.
પોલીસે જ્યારે ટેમ્પોને રોકીને તપાસ કરી ત્યારે તેમાં ચાલક એકલો જ હાજર હતો. પ્રાથમિક તપાસમાં આઇશર ટેમ્પોની પાછળના ભાગે ઉપર માત્ર ખાલી પુઠ્ઠાના બોક્સ ગોઠવેલા દેખાતા હતા, જેમાં પ્લાસ્ટિકની બોટલ, ગ્લાસ અને ડબ્બા ભરેલા હતા જેથી કોઈને શંકા ન જાય. જો કે, પોલીસે ઝીણવટભરી ઊંડાણપૂર્વક તપાસ કરીને ઉપરના બોક્સ હટાવતા જ અંદરથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી કુલ 316 પેટીઓ (જેમાં 7584 નંગ દારૂ-બીયરની બોટલો તથા ટીન સામેલ છે) જપ્ત કરાઈ હતી, જેની બજાર કિંમત 18,17,664 થાય છે. પોલીસે આ સફળ દરોડા દરમિયાન દારૂના જથ્થા ઉપરાંત 10 લાખની કિંમતનો આઇશર ટેમ્પો, એક મોબાઈલ ફોન, જી.પી.એસ. ટ્રેકર (GPS Tracker), પ્લાસ્ટિકના ગ્લાસ અને બોક્સ સહિત કુલ 28,53,764નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ટેમ્પો ચાલક અર્જુન રામજીત બિંદ (રહે. સેબાહી ગામ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.
પકડાયેલા ડ્રાઇવરની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, દારૂનો આ જથ્થો 'સફીલ મોહંમદ' (રહે. સુલતાનપુર, યુપી, હાલ રહે. દમણ) નામના બુટલેગરે ભરૂચ-મુંબઈ હાઇવે પાસે ટેમ્પો પાર્ક કરીને ડ્રાઇવર અર્જુનને સોંપ્યો હતો. આ જથ્થો વડોદરા ગોલ્ડન ચોકડીથી આગળ નેશનલ હાઇ-વે 48 પર આવેલા એરફોર્સના બ્રિજ પાસે કોઈને ડીલીવર કરવાનો હતો. હાલ આ સમગ્ર મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર સફીલ મોહંમદ સહિતના નેટવર્કને પકડવા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.


