- નલિયા-દાહોદ સૌથી ઠંડાં શહેર, બંને શહેરમાં સરખુ 10.8 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું
વડોદરામાં ફરીથી ઠંડીનું જોર શરૂ થયું છે. આજે તાપમાનનો પારો ગગડીને ૧૫ ડિગ્રીથી પણ નીચે જતો રહેતા લોકોને તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, નલિયા-દાહોદ સૌથી ઠંડાં શહેર બની ગયા છે. નલિયા અને દાહોદમાં સરખુ 10.8 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં તાપમાનનો મહત્તમ પારો ૦.૮ ડિગ્રી ઘટીને ૨૯.૮ તેમજ ન્યુનત્તમ પારો પણ ૦.૮ ઘટીને ૧૪.૪ ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૫ અને સાંજે ૩૨ ટકા હતું. જ્યારે ઉત્તર-પૂર્વથી ૭ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ નોંધાઇ હતી. છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો ૧૬ ડિગ્રીની આસપાસ રહેતા લોકો સામાન્ય ઠંડી અનુભવતા હતા પરંતુ આજે પારો અચાનક ૦.૮ ડિગ્રી નીચે ઉતરતાની સાથે ઉત્તરના ઠંડા પવનોના કારણે શીતલહેર ફેલાઇ હતી. સાંજ પડતાની સાથે જ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવું પડે તેવું વાતાવરણ સર્જાયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી કેટલાક દિવસ સુધી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળી શકે છે. ઠંડી વધતા જ વહેલી સવારથી ગાર્ડનમાં લોકો ચાલવા અને દોડવા આવી રહ્યા છે. વહેલી સવારે ગાર્ડનમાં લોકો ઠંડીથી બચવા માટે કસરત કરતા પણ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમરેલીમાં 11.4 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી, ભુજમાં 15.2 ડિગ્રી, દીવમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 15.9 ડિગ્રી, કંડલા 16.1 ડિગ્રી, દમણ 18.2 ડિગ્રી, વેરાવળમાં 19.1 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી, દ્વારકામાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


