- વડોદરા જિલ્લાની 5 કંપનીમાં 100ની ભરતી કરાશે, કોઈ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો નથી
- પ્રાથમિક પસંદગી બાદ ઉમેદવારોએ બીજા રાઉન્ડમાં લેખિત પરીક્ષા આપવી પડશે અને અંતિમપણે પસંદ થયેલા ઉમેદવારોને કંપની તરફથી રહેવાની તેમજ જમવાની સુવિધા અપાશે
મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા દ્વારા 20 ઓગસ્ટ, 2025ના બુધવારે સવારે 11 કલાકે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામાં આવશે. આ ભરતી મેળો મદદનીશ નિયામક રોજગારની કચેરી, પ્રથમ માળ, આઈટીસી બિલ્ડીંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરામાં યોજાશે.
આ ભરતી મેલામાં જામનગર સ્થિત નામી કંપની દ્વારા થર્ડ પાર્ટી પે-રોલ આધારે ફ્રેશર અને અનુભવી ઉમેદવારો માટે મશીન ઓપરેટર, પ્રોડક્શન એસોસિયેટ અને પેકેજિંગ એસોસિયેટ જેવી 200 જેટલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવાશે. આ માટે આઈટીઆઈ (ઈલેક્ટ્રીશિયન અને ફીટર ટ્રેડ), ડિપ્લોમા (ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ ટ્રેડ) તેમજ બી.એસસી. (ફિઝિક્સ, મેથેમેટિક્સ અને કેમિસ્ટ્રી) લાયકાત ધરાવતા 18થી 27 વર્ષના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે.

પ્રાથમિક પસંદગી બાદ ઉમેદવારોને બીજા રાઉન્ડમાં લેખિત પરીક્ષા આપવી પડશે અને અંતિમપણે પસંદ થયેલા ઉમેદવારોને કંપની તરફથી રહેવાની તેમજ જમવાની સુવિધા આપવામાં આવશે. પસંદ થયેલા આઈટીઆઈ લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂપિયા 18,000 તથા ડિપ્લોમા/બી.એસસી. લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂપિયા 21,233 (કપાત બાદ) માસિક પગાર આપવામાં આવશે.
આ ઉપરાંત વડોદરા જિલ્લાના 5 કંપની દ્વારા 18થી 30 વર્ષની વયના ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ (તમામ ટ્રેડ), ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટેકનિશિયન, મશીન ઓપરેટર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ જેવી 100થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવાશે. પસંદગી પામનાર ઉમેદવારોને રૂપિયા 14,000થી રૂપિયા 20,000 સુધી માસિક પગાર આપવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યૂમની નકલ, શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટ, આધારકાર્ડ, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ અનુભવના પ્રમાણપત્રો વગેરે દસ્તાવેજો સાથે સ્વખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવું રહેશે. ભરતી મેલાની આયોજન અને પસંદગી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો નથી, તે બાબતની ખાસ નોંધ લેવા જણાવાયું છે.


