વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ભીડનો લાભ ઉઠાવી ગઠિયો પરિણીતાનું સોનાનું મંગળસૂત્ર સેરવીને ફરાર

રક્ષાબંધન પર્વે ભાઈને રાખડી બાંધવા સુરત જતી મહિલા ભીડભાડ વચ્ચે ગઠિયાનો શિકાર બની

MailVadodara.com - Taking-advantage-of-the-crowd-on-a-train-at-Vadodara-railway-station-a-thief-snatched-a-married-womans-gold-mangalsutra-and-fled

- 1.28 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર સેરવીને ફરાર ચોર સામે રેલવે પોલીસ મથકે ફરિયાદ

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનમાં ચડતી વખતે મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી અજાણ્યો તસ્કર પરિણીતાના ગળામાંથી 1.28 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર સેરવીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાઈ છે. રક્ષાબંધન પર્વે ભાઈને રાખડી બાંધવા સુરત જઈ રહેલી મહિલા ભીડભાડ વચ્ચે ગઠિયાનો શિકાર બની હતી.

વાઘોડિયા રોડ પર આવેલી પૂજાપાર્ક સોસાયટીમાં રહેતા જીલબેન પ્રિતભાઈ ગાંધી રક્ષાબંધન નિમિત્તે સુરત ખાતે રહેતા પોતાના ભાઈના ઘરે જવા માટે પતિ સાથે નીકળ્યા હતા. રાત્રિના આશરે સાડા દસ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી સુરતની જનરલ ટિકિટ લીધા બાદ તેઓ પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાના સુમારે એકતાનગર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતાં તેઓ પાછળના જનરલ કોચમાં ચડવા ગયા હતા.

જનરલ કોચમાં ચડતી વખતે મુસાફરોની ભારે ભીડનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યો ચોર મહિલાના ગળામાંથી પેન્ડલવાળું સોનાનું મંગળસૂત્ર આંચકીને નાસી છૂટ્યો હતો. ડબ્બામાં તેમજ દરવાજા પાસે શોધખોળ કરવા છતાં મંગળસૂત્ર ન મળતાં ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી. સુરતથી પરત ફર્યા બાદ પરિણીતાએ આ અંગે રેલવે પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments