- ગોપીનાથજી કિયા મોટર્સમાં ઢોલ-નગારા સાથે ગ્રાહકોને નવી કારની ડિલિવરી અપાઈ
- વડોદરામાં ઇલેક્ટ્રિક કારનું માસિક વેચાણ 600-700થી વધીને 1200-1400 થયું
વિજયાદશમી અને દશેરાના પર્વ નિમિત્તે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઓટોમોબાઇલ માર્કેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુભ મુહૂર્તમાં નવી કાર અને ટુ-વ્હીલર ખરીદવા માટે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિજયાદશમી અને દશેરાના પર્વ નિમિત્તે વડોદરામાં 1 હજાર જેટલી EV વ્હીકલનું વેચાણ થયું છે. EVના વેચાણમાં ગત વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો છે. વડોદરાના ગોપીનાથજી કિયા મોટર્સ ખાતે ઢોલ-નગારા અને ઉત્સવના માહોલ વચ્ચે ગ્રાહકોને નવી કારની ડિલિવરી આપવામાં આવી હતી. ગ્રાહકો માટે લાઇવ ફાફડા-જલેબીની વ્યવસ્થા સાથે વાહનોની ડિલિવરીને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગ્રાહક સમીર પંડ્યાએ જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં ઇંધણની બચત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને અમે હાઇબ્રિડ ગાડી ખરીદવાનો નિર્ણય લીધો છે. કિયા કાર સાથેનો અમારો અનુભવ પહેલાં પણ ખૂબ જ ઉત્તમ રહ્યો છે, કારણ કે મારી પાસે પહેલાં કિયા સેલ્ટોસ ગાડી હતી. કિયા અને ગોપીનાથજી શો-રૂમ તરફથી આપણને ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને ગાડી સમયસર ડિલિવરી થઈ ગઈ છે. આ નવી કાર મેળવીને અમારો સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ છે. અમે ખાસ કરીને બ્લેક કલરની ગાડી પસંદ કરી હોવાથી આજે પરિવારના સભ્યો પણ બ્લેક થીમ વાળા કપડાં પહેરીને આવ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું દરેક લોકોને કહેવા માંગું છું કે આવનારા સમયમાં હાઇબ્રિડ ગાડીઓ તરફ આગળ વધવું જોઈએ. હાઇબ્રિડ ટેકનોલોજી ખૂબ જ શ્રેષ્ઠ છે અને વિદેશોમાં પણ તેની માંગ તથા વપરાશ ખૂબ વધારે છે. અંતમાં, મારા વતી દિવ્ય ભાસ્કરના તમામ વાચકોને વિજયાદશમી/દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
વડોદરા ગોપીનાથજી કિયાના સેલ્સ મેનેજર જનક પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓટોમોબાઇલ ક્ષેત્રે બજારનો માહોલ ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે. ગાડીઓના ભાવમાં વધારો થયો હોવા છતાં લોકોની ખરીદશક્તિ જળવાઈ રહી છે. હાલમાં દરેક મેન્યુફેક્ચરરમાં ગાડીઓની ઉપલબ્ધતાનો થોડો પ્રશ્ન છે, છતાં પણ વાહનોનું વેચાણ ખૂબ જ સારું થઈ રહ્યું છે.
તેઓએ ઉમેર્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો વિશે વાત કરીએ તો, ગ્રાહકોમાં હવે જાગરૂકતા ખૂબ વધી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લગભગ બમણું થઈ ગયું છે. વડોદરામાં પહેલાં જ્યાં દર મહિને 600થી 700 ઇલેક્ટ્રિક ગાડીઓ વેચાતી હતી, ત્યાં હવે વધીને દર મહિને 1200થી 1400 ગાડીઓનું વેચાણ થઈ રહ્યું છે. ગોપીનાથજી કિયા ખાતે આજે માસ ડિલિવરીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહકો માટે લાઈવ ફાફડા-જલેબીના કાર્યક્રમ સાથે ઢોલ-નગારા વગાડીને ધામધૂમથી વાહનો સોંપવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ઉત્સવ જેવા વાતાવરણનો મુખ્ય હેતુ ગ્રાહકો માટે નવી કાર ખરીદવાનો આ શુભ દિવસ જીવનભર માટે એક યાદગાર ક્ષણ બની રહે તે સુનિશ્ચિત કરવાનો છે.


