- મહિલા ઓએનજીસીમાં તપાસ કરવા ગઈ ત્યારે દંપતીનો ભાંડો ફૂટ્યો
- પૈસા પરત માંગતા દંપતીએ ધમકી આપી હતી, ઠગ દંપતીએ બોગસ જોઇનિંગ લેટર પધરાવ્યો હતો
સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી આવેલી વડોદરાની ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂ. 17.80 લાખ પડાવનાર સુરતના દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. ઈલેક્ટ્રીકલ એન્જિનિયર મહિલા પાસે સુરતના દંપતીએ 17.80 લાખ રૂપિયા પડાવી બોગસ જોઇનિંગ લેટર પધરાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી વડોદરાની ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને સુરતના કતારગામના જ દંપતી કિંજલ-નિર્મળ રઘુભાઈ ધાનાણી (રહે. મકાન નં.7, વસનજીપાર્ક સોસાયટી, કંતારેશ્વર મહાદેવ મંદિરની પાસે, કતારગામ, સુરત) એ રૂ.17.80 લાખ લઈ બોગસ જોઈનિંગ લેટર આપ્યો હતો. મહિલા ઓએનજીસીમાં તપાસ કરવા ગઈ ત્યારે દંપતીનો ભાંડો ફૂટતા પૈસા પરત માંગતા દંપતીએ પૈસા પરત કરવાને બદલે ધમકી આપી હતી.
આખરે મહિલાએ 26 સપ્ટેમ્બરના રોજ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે આ બનાવમાં 8 નવેમ્બરના રોજ જોબ પ્લેસમેન્ટનું કામ કરતા પતિ નિર્મળ રઘુભાઈ ધાનાણી (ઉં.વ.37, મૂળ રહે. આણંદપુર, તા.વલ્લભીપુર, જિ.ભાવનગર) અને તેની પત્નીની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ પી.જી.વાઘેલા કરી રહ્યા છે.


