- એસઓજીની ટીમે સર્વેન્સને આધારે વોચ રાખી સુરતના અડાજણમાં રહેતા આગમ પટેલની ઝડપી પાડ્યો, અગાઉ 13 લાખના ગાંજા સાથે ઝડપાયો હતો
વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો પકડવાના બનાવમાં ગાંજાના સપ્લાયરને વડોદરા પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે.
વડોદરા પોલીસે ગત તા.28મી મે એ જુના પાદરા રોડના પદમ પૂજનપાર્ક બંગલાની કમ્પાઉન્ડ વોલ પાસેથી તાંદલજાના નામચીન અબ્દુલ પટેલ તેમજ ધ્રુવ ચૌધરીને રૂપિયા 15 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અબ્દુલના પુત્ર આદીબ અને તેની પત્ની ઝરીનાને પણ ઝડપી પાડ્યા હતા.
હાઇબ્રીડ ગાંજાનો આ જથ્થો સુરતના સપ્લાયરે મોકલ્યો હોવાની વિગતો ખુલતા એસ.ઓ.જીની ટીમે મોબાઈલ અને ટેકનિકલ સર્વેન્સને આધારે વોચ રાખી આગમ ઉત્તમભાઈ પટેલ (રહે. સાંઈરામ રો-હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત)ને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આગમ પટેલ અગાઉ પણ 13 લાખના ગાંજા સાથે પકડાયો હતો. જેથી ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.


