વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યનું પ્રથમ ડિજિટલ લોન્જ શરૂ, યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ બની

યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે

MailVadodara.com - States-first-digital-lounge-launched-at-Vadodara-railway-station-airport-like-facilities-available-to-passengers

- એસી લોન્જમાં રૂ. 200 પ્રતિ કલાકના ચાર્જમાં મુસાફરોને ફ્રી વાઇફાઇ, ચા- કોફી, બેસવા માટે સોફા, ટીવી સહિતની સુવિધા મળી શકશે, મીટિંગ હોલ અને લોકર સુવિધા ઉપલબ્ધ થશે


વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં રાજ્યનું પ્રથમ અને દેશનું બીજું ડિજિટલ લોન્જ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ લોન્જનું ઉદ્ઘાટન આજે 28 માર્ચે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે કરવામાં આવ્યું. હવે યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે.


ડિજિટલ લોન્જમાં એકસાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ભારતીય રેલવેના ડિજિટલ લોન્જનો કોન્સેપ્ટ પહેલાં બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળ્યા પછી આ સુવિધા શરૂ કરવામાં આવી. કાર્યક્રમમાં વડોદરા રેલ્વે મંડળના ડી. આર. એમ રાજુ ભડકે, સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા અને રેલવેના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતાં.


આ એસી લોન્જમાં માત્ર રૂ. 200 પ્રતિ કલાકના ચાર્જમાં મુસાફરોને ફ્રી વાઇફાઇ, ચા- કોફી, બેસવા માટે સોફા, ટીવી સહિતની સુવિધા મળી શકશે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન કોઈ મુસાફરે આરામ કરવો હોય તો રૂ. 700માં બે કલાક માટે આરામદાયક બેડ, વેલકમ ડ્રીંક, પાણીની બોટલ સહિતની સુવિધા મળી શકશે. અહીં લોકર સિસ્ટમ પણ ઉપલબ્ધ છે એટલે કે કોઈ મુસાફરે અહીં સામાન મૂકી કોઈ કામ અર્થે જવું હોય તો તે જઈ શકે છે અને ડિજિટલ લોકરનો રૂ. 100 પ્રતિ કલાક ચાર્જ આપી પોતાનો કિંમતી સમાન મૂકી શકે છે.


આ લોન્જમાં કોન્ફરન્સ હોલની પણ સુવિધા ઉપલબ્ધ છે. 1680 રૂપિયામાં ત્રણ કલાક માટે મિટિંગ હોલ મળી શકે છે, જેમાં વાઇફાઇ, ચા-કોફી, ટીવી પ્રેઝન્ટેશન સહિતની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. આ મિટિંગમાં 6 જેટલા વ્યક્તિ આરામથી મીટિંગ કરી શકે છે.


વેસ્ટર્ન રેલવેના વડોદરા વિભાગના ડીઆરએમ રાજૂ ભડકેએ જણાવ્યું હતું કે, આની પાછળનો વિચાર એ છે કે, વડોદરા જે છે, તે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ તેમજ બિઝનેસ એક્ટિવિટીઝ માટે ખૂબ જ મહત્વનું સ્ટેશન છે. અહીં વંદે ભારત અને ઘણી ટ્રેનો દ્વારા એવા પેસેન્જર્સ આવે છે, જે બિઝનેસ માટે આવતા હોય છે. તેઓ ઘણીવાર ઓડ અવર્સમાં (વહેલી સવારે કે મોડીરાત્રે) આવે છે અને પોતાનું કામ પતાવીને પરત જવાનું હોય છે, તેમના માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સામાન્ય મુસાફરો માટે પણ આ એટલી જ ફાયદાકારક રહેશે.

Share :

Leave a Comments