વડોદરામાં નવરાત્રી પહેલાં વિશેષ ગરબા મહોત્સવ, હજારો ખેલૈયાઓ માનવ સાંકળથી વર્લ્ડ રેકોર્ડ બનાવશે

વડોદરામાં ગરબા થકી હજારો મહિલાઓ સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પ લેશે

MailVadodara.com - Special-Garba-festival-in-Vadodara-ahead-of-Navratri-thousands-of-participants-to-set-a-world-record-by-forming-a-human-chain

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસ્કારી નગરી વડોદરા ખાતે એક ભવ્ય અને યાદગાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

- વડોદરા મહાનગરપાલિકા દ્વારા અતુલ પુરોહિતના ગરબાનું નિઃશુલ્ક આયોજન, ઉજવણી ધામધૂમથી થશે, 7મીએ યુ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ, અતુલ પુરોહિતના ગરબા નિઃશુલ્ક રહેશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી પહેલા ગરબા થકી સેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસ્કારી નગરી વડોદરા ખાતે એક ભવ્ય અને યાદગાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં સમર્પણ યાત્રા અને વિશેષ ગરબા મહોત્સવ ધામધૂમથી યોજાશે.

વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ યુ વે ના ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી પહેલા વિશાળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ છે કે આગામી 7 તારીખે હજારો ખેલૈયાઓ અને મહિલાઓ દ્વારા ગરબાના સ્વરૂપમાં એક વિશાળ માનવ સાંકળ રચવામાં આવશે. આ અનોખી માનવ સાંકળ થકી એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનો ઐતિહાસિક પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે શહેર અને જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહેનારી હજારો મહિલાઓ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટેના વિશેષ સેવા સંકલ્પ લેશે. આ સાથે જ, ઉપસ્થિત તમામ નાગરિકો વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના મહા અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને દેશને આગળ લઈ જવા માટેના દ્રઢ સંકલ્પ ગ્રહણ કરશે. વડોદરાના નાગરિકો આ ભવ્ય ઉજવણીનો સંગીતમય આનંદ માણી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરોહિતના ગરબાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ ગાયક અતુલ પુરોહિતના સુરે નાગરિકોને ગરબે ડોલાવવામાં આવશે. આ સમર્પણ યાત્રા અને ગરબા મહોત્સવ વડોદરા માટે એક અનોખો ઉત્સવ બની રહેશે, જેમાં ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ જોવા મળશે. તંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિશ્વ વિખ્યાત ગરબા થકી વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં આવશે.

Share :

Leave a Comments