- કારેલીબાગ સ્થિત સરદાર વિનય મંદિર સ્કૂલમાં ધો-1થી 12 માં દર વર્ષે પ્રથમ ક્રમાંક જ આવતો હતો
વડોદરા શહેરમાં ધોરણ 12ના જાહેર થયેલા પરિણામોમાં પ્રથમ વિકાસ ઘોળકરે ઉત્તમ પ્રદર્શન કરી પરિવાર અને શહેરનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે. કહેવાય છે કે દૃઢ ઇચ્છાશક્તિ અને અવિરત મહેનત હોય તો આર્થિક મર્યાદાઓ સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથીઆ વાતને પ્રથમએ સાબિત કરી બતાવી છે.
પિતાની મહેનત અને પ્રથમનો આત્મવિશ્વાસ

પ્રથમના પિતા વિકાસ ઘોળકર વડોદરામાં ફોટોગ્રાફી વ્યવસાય સાથે ડિજિટલ ન્યૂઝ ચેનલ આમ્હી બરૌડેકર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મધ્યમવર્ગીય પરિસ્થિતિ હોવા છતાં, તેમણે પ્રથમના અભ્યાસમાં ક્યારેય કોઈ અભાવ આવવા દીધો નથી. પ્રથમ પણ પોતાની જવાબદારી સમજી સતત અભ્યાસમાં તલ્લીન રહ્યો હતો, જેથી તેને વાંચવા માટે ક્યારેય દબાણ કરવું પડ્યું નહોતું.
તેની માતા શીતલબેન જણાવે છે કે પ્રથમ પોતાની રીતે જ આયોજનબદ્ધ રીતે તૈયારી કરતો અને અભ્યાસ પ્રત્યે તેની લગન પરિવાર માટે ગૌરવની બાબત બની રહી છે.
પરિણામોની ગાથા વિષયવાર શ્રેષ્ઠ પ્રદર્શન

પ્રથમએ કુલ 750માંથી 704 ગુણ મેળવી 99.63 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે. તેના વિષયવાર ગુણ નીચે મુજબ છે
ઓર્ગેનાઇઝેશન ઑફ કોમર્સ 100/100
સ્ટેટિસ્ટિક્સ 99/100
ઇકોનોમિક્સ 96/100
એલિમેન્ટ્સ ઑફ એકાઉન્ટ 95/100
ગુજરાતી 81/100
અંગ્રેજી 86/100
આ પરિણામ તેની અવિરત મહેનત અને એકાગ્રતાનું પ્રતિબિંબ છે.
નાનપણથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ
પ્રથમ ઘોળકર નાનપણથી જ સંત તુલસીદાસ રચિત રામચરિતમાનસ પંચમ સોપાન સુંદરકાંડ પ્રત્યે લગાવ હતો, નાનપણથી પિતા અને માતા સાથે માનસ સત્સંગના શ્રી ધવલકુમાર ના મધુર કંઠે સુંદરકાંડ પાઠ વડોદરા શહેરમાં જ્યાં પણ હોય ત્યાં પાઠ અવશ્ય કરતો નાનપણથી જ તેને સુંદરકાંડની ચોપાઈઓ કંઠે હતી આજે હનુમાનજી મહારાજનું ફળ મળ્યું છે
શિક્ષણ પ્રત્યે સમર્પણ ભાવ
પ્રથમનો દિવસ પુસ્તકો સાથે જ શરૂ અને પૂર્ણ થતો. તે રોજ ઘરે 6થી 7 કલાક તેમજ ટ્યુશન ક્લાસમાં પણ એટલો જ સમય અભ્યાસ માટે ફાળવતો હતો. તેના કાકા અંકુર ઘોળકર તરફથી મળતા માનસિક સહકાર અને પ્રોત્સાહને તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કારેલીબાગ સ્થિત સરદાર વિનય મંદિર સ્કૂલમાં ધોરણ 1 થી 12 માં દર વર્ષે પ્રથમ ક્રમાંક જ આવતો હતો.
ભવિષ્યનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું
આ નોંધપાત્ર સફળતા બાદ પણ પ્રથમ વિનમ્રતા સાથે આગળ વધવા આતુર છે. તે કોમર્સ ક્ષેત્રમાં આગળ વધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું લક્ષ્ય ધરાવે છે. પિતાના સંઘર્ષને સફળતામાં પરિવર્તિત કરવાની તેની આ ઇચ્છા હવે સાકાર થવા તરફ આગળ વધી રહી છે.


