
વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકથી માત્ર 200 મીટર દૂર આવેલા ખાનગી પેટ્રોલ પંપ પર અજાણ્યા ઈસમે દરવાજો ખોલી 4 લાખની મતા ચોરી ફરાર થઈ જતા આ મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


પેટ્રોલ પંપ પર નોકરી કરતા ચિરાગ રાજેશભાઈ પટેલે બાપોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પેટ્રોલ પંપની ઓફિસના દરવાજાનો નકૂચો ખોલી ઓફિસમાં પ્રવેશી પેટ્રોલ પંપના એકાઉન્ટ રૂમમાં લાકડાના ટેબલની અંદર મૂકેલ લોખંડની તિજોરીમાં રોકડ રૂપિયા 4,00,630ની માતાની કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી ફરાર થઈ જતા આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક ઈસમ પેટ્રોલ પંપના પાછળના ભાગેથી આવે છે અને ત્યારબાદ ઓફિસનો દરવાજો ખોલી ચોરીને અંજામ આપે છે. આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ પેટ્રોલ પંપ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્રનો છે. ત્યારે પોલીસે પણ આ આરોપીને ઝડપી પાડવા મહેનત કરી રહી છે.


