- યુવકની માતા બીજા દીકરાના ઘરે જતા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું
- સવારે ચોરીની જાણ થતા યુવકે વરણામાં પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી

વડોદરાના રામનાથ ગામે આવેલા રહેતા પિતા અને પુત્ર ગાડીમાં સામાન ભરીને રાજસ્થાન બિકાનેર ખાતે સામાનની ડિલિવરી આપવા માટે ગયાં હતા. ત્યારે માતા તેમનું ઘર બંધ કરીને અન્ય પુત્ર તથા પુત્રવધૂ પાસે ઉંઘવા માટે ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનને મોડી રાત્રે નિશાન બનાવી તસ્કરોએ રૂ.7.30 લાખના સોના ચાંદીના દાગીનાના ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. જેથી સવારે ચોરીની જાણ થતા યુવકે વરણામાં પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે.

વડોદરા જિલ્લાના રામનાથ ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા બીપીનભાઇ પ્રભાતસિંહ પઢિયાર ગાડીઓ GIDCમાં ભાડેથી ચલાવે છે. ગત 5 ડિસેમ્બરના રોજ સવારમાં તેમના પિતા પ્રભાતસિંહ તથા નાનોભાઈ જૈમિન બે ગાડીઓમાં માંગલેજ ખાતેથી કંપનીનો માલ ભરીને બિકાનેર (રાજસ્થાન) ખાતે ખાલી કરવા માટે ગયા હતા ત્યારે યુવકની માતા તેમના ઘરને તાળુ મારીને પુત્ર બિપિનના ઘરે સૂવા માટે આવી ગયા હતા. રાતના દસેક વાગ્યાની આસપાસ ઘરમાં યુવક માતા અને પત્ની સાથે ઉંઘતો હતો.

સવારે 7 વાગ્યે યુવકની માતા ડેરીમાં દૂધ ભરવા માટે જતા હતા. તે વખતે તેઓએ બીજા ઘરને મારેલુ તુટેલુ તથા દરવાજો ખુલ્લો જોતા દુધ ભરવાનુ રહેવા દઈને ઘરે પાછા આવી ગયા હતા અને પુત્રને જગાડીને બીજા ઘરનો દરવાજો ખુલ્લો હોવાની વાત કરી હતી. ત્યાબાદ પુત્ર અને તેની પત્ની સાથે ઘરમાં તપાસ કરવા માટે ગયાં હતા. ત્યારે સામાન વેરવિખેર પડેલો હતો તથા તીજોરીમાં વર્ષો જુના સોના-ચાંદીના દાગીના મળી રૂ. 7.30 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયાં હતા. જેથી યુવકે વરણામા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરુ મેળવવા તજવીજ હાથ ધરી છે.


