સુભાનપુરા વિસ્તારમાં દુકાનમાં મીટર બદલાવ્યા બાદ રૂા.78,605 બિલ આવતા દુકાનદારના હોશ ઉડી ગયા

સુભાનપુરાની એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાવાયું હતું

MailVadodara.com - Shopkeeper-in-Subhanpura-area-was-shocked-to-receive-a-bill-of-Rs-78-605-after-changing-the-meter-in-his-shop

- પંચરત્ન બિલ્ડિંગમાં દુકાન ધરાવતા ગ્રાહકે કહ્યું, સામાન્ય રીતે મારું લાઇટ બિલ 1200થી 1500 રૂપિયા આવતું હોય છે, આટલું મોટું બિલ જોઈને મને આઘાત લાગ્યો

વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો વીજ બીલનો મામલો સામે આવ્યો છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં એક દુકાનદારને નવું મીટર લગાવ્યા બાદ 78 હજારથી વધુનું બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ તેઓએ વીજ કંપનીમાં રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આટલું મોટું બિલ જોઈને મને આઘાત લાગ્યો હતો. અને હું ચિંતામાં મુકાઈ ગયો હતો.


વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાવવામાં આવ્યું હતું. પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદારના હોશ ઉડી ગયા. બિલની રકમ 78,605.44 રૂપિયા હતી. આટલું મોટું બિલ આવતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ દુકાનદારે તરત જ વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો.

દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલની રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


ફરિયાદી અજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હું વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડિંગમાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું. આજે સવારે મેં મારું વીજળી બિલ ગુગલ પે પર ચેક કર્યું હતું. તેમાં 78,000 રૂપિયાથી વધુની રકમ દેખાઈ હતી. જે જોઈને મને આઘાત લાગ્યો હતો. અને હું ચિંતામાં મુકાઈ ગયો હતો. સામાન્ય રીતે મારું બે મહિનાનું બિલ 1,200થી 1,500 રૂપિયાની આસપાસ હોય છે. આટલી મોટી રકમ જોઈને હું ખૂબ ચિંતિત થઈ ગયો હતો.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું તાત્કાલિક અલકાપુરીમાં GEBની ઓફિસે ગયો અને ત્યાં પટેલ સાહેબની મુલાકાત લીધી હતી. તેમણે મને ખૂબ સારો સહકાર આપ્યો હતો અને સ્વીકાર્યું હતું કે, આ બિલમાં કોઈ ભૂલ છે. કદાચ મીટર રીડિંગ લખવામાં કર્મચારીની કોઈ ભૂલ થઈ હશે.


તેઓએ કહ્યું હતું કે, મારી વિનંતી છે કે, જ્યારે પણ કર્મચારીઓ મીટર રીડિંગ લેવા આવે, ત્યારે તેઓએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. મોંઘવારીના આ સમયમાં આટલી મોટી રકમના બિલ જોઈને સામાન્ય માણસ ખૂબ તણાવમાં આવી જાય છે. હું લોકોને કહેવા માંગું છું કે જો આવું કોઈ બિલ આવે, તો ગભરાવાની જરૂર નથી. GEB ની ઓફિસે જઈને ત્યાંના અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ. તેઓનો રિસ્પોન્સ સારો હોય છે.

Share :

Leave a Comments