- અગાઉ પણ ગેરરીતિઓ સામે આવતા દુકાનનું લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરાયું હતું
ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, વડોદરા દ્વારા નશાકારક અને માનસિક અસરકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દવાઓના દુરૂપયોગથી થતા ગંભીર અને જીવલેણ સાઇડ ઇફેક્ટ્સને ધ્યાનમાં રાખીને, સંબંધિત મેડિકલ સ્ટોર પર કાયમી પ્રતિબંધ (લાયસન્સ રદ) કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી મેસર્સ શિવાની મેડિસિન ખાતે ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. વિવિધ તબક્કાઓની તપાસમાં કોડિન યુક્ત દવાઓ ઉપરાંત નિટ્રાઝેપામ અને એલ્પ્રાઝોલામ જેવી માનસિક અસરકારક દવાઓનું પણ માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું.
નવેમ્બર 2019માં પ્રથમ વખત ગેરરીતિઓ સામે આવતા દુકાનનું લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2021માં ફરી તપાસ દરમિયાન PB-REX Cough Syrup અને BESCODEX સહિતની દવાઓના ગેરકાયદે વેચાણ સામે આવતા ફરી કાર્યવાહી કરવામાં આવી હતી.
તાજેતરની તપાસમાં કોડિન યુક્ત તેમજ માનસિક અસરકારક દવાઓ જેમ કે Nitrazepam અને Alprazolamનું પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ, PB-REX અને BESCODEX સહિત કુલ 5 પ્રકારની દવાઓનો ગેરકાયદે વેપાર, તેમજ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી નોટિસનો અસંતોષકારક જવાબ જેવી ગંભીર ગેરરીતિઓ નોંધાઈ હતી.
આ દવાઓના દુરૂપયોગથી નશાની લત, શ્વાસ લેવામાં તકલીફ, માનસિક અસરો અને જીવલેણ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આવી ગંભીર સાઇડ ઇફેક્ટ્સને ધ્યાનમાં રાખીને, જાહેર આરોગ્યના હિતમાં સંબંધિત મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી રીતે રદ કરવામાં આવ્યું છે.


