- આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં કમલેશ પરમાર બહારના લોકોને બોલાવી ટીવી પર IPLની મેચ પર સટ્ટો રમાડતો હોવાની એલ.સી.બી. ઝોન-૦3ની ટીમને બાતમી મળી હતી
- રોકડ, 7 મોબાઈલ ફોન, ટીવી-રિમોટ તેમજ 4 વાહનો મળી 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરમાં IPLક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા સાત શખ્સોને એલ.સી.બી. ઝોન-3 દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને 7 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

એલ.સી.બી. ઝોન-૦3ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર-33માં કમલેશ વિનોદભાઈ પરમાર દ્વારા બહારના લોકોને બોલાવી ટીવી પર આઈ.પી.એલ.ની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ જોઈ મોબાઈલ એપ્લિકેશન/વેબસાઈટ મારફતે સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં સ્થળ પરથી કુલ 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં કમલેશ વિનોદભાઈ પરમાર (રહે. રામનગર સરધાર એસ્ટેટની પાછળ, આજવા રોડ), પિયુષ કંચનભાઈ પંચાલ (રહે-ભાગ્યોદય સોસાયટી, દંતેશ્વર), નાનુ રાજુભાઈ ચુનારા (રહે-બરાનપુરા, ચુનારા વાસ), સુમિત હરેશભાઈ સબા ગવાની, ગીતેશ ઉર્ફે રોકી દરીયાભાઈ ચોથવાણી (બંને રહે-ગુરૂ આધાર સોસાયટી, વારસિયા), ઉર્વેશ પ્રકાશભાઈ પટેલ (રહે-ઘનશ્યામ ચેમ્બર, લક્કડપીઠા રોડ) અને પ્રિયાંક કનુભાઈ પટેલ (રહે-કબીર મંદિરનું ફળિયું, પથ્થરગેટ)નો સમાવેશ થાય છે. આ કેસમાં ચેતન કહાર ઉર્ફે ભાંજુ નામનો આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 25,840 રોકડ, 7 મોબાઈલ ફોન, ટીવી અને રિમોટ તેમજ 4 વાહનો મળીને કુલ રૂપિયા 4,25,840નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


