- ટ્રાફિક પોલીસની હાજરીમાં બાઇક ક્રેનમાં ચડાવાઈ હતી, બાઇક ટોઈંગ કરતાં લોકો અને ક્રેન સ્ટાફ વચ્ચે ઝપાઝપી, કપડાં ફાટી ગયા, વારસિયા પોલીસે CCTV ફૂટેજથી તપાસ શરૂ કરી
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલાં વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન સંગમ ચાર રસ્તા નજીક શ્રી રાધે કોમ્પ્લેક્સ બહાર એક ચકચારી ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં ટોઈંગ ક્રેન સ્ટાફ દ્વારા નો-પાર્કિંગમાંથી એક બાઇક ક્રેનમાં ચડાવવામાં આવતાં વાહનમાલિક ઉશ્કેરાઈ ગયો હતો. ચાલકે મારી ગાડી કેમ ઉપાડી? અહીંથી ઉઠાવવાની પરમિશન કોણે આપી? જેવા સવાલો કરી બાઇક તરત જ નીચે ઉતારવાની જીદ પકડી હતી.
વાહનમાલિક અને ટોઈંગ ક્રેનના સ્ટાફ વચ્ચેની બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. બબાલ વધતાં આસપાસમાંથી સ્થાનિકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. મામલો એટલો બિચક્યો કે લોકો અને કર્મચારીઓ વચ્ચે સીધી ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ ધમાસાણ દરમિયાન ટોઈંગ ક્રેનના એક કર્મચારીના કપડાં પણ ફાટી ગયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસકર્મીએ વચ્ચે પડીને મામલો થાળે પાડવા ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રાફિક જવાને સ્પષ્ટતા કરી હતી કે વાહન પ્રતિબંધિત નો-પાર્કિંગ ઝોનમાં હોવાના કારણે જ કાયદેસરની ટોઈંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ઘટનાસ્થળે થયેલી આ મારામારી અને ઝપાઝપીનો વીડિયો કોઈ રાહદારીએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિવાદ વારસિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વારસિયા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી તેમજ વાયરલ વીડિયોના આધારે ઝપાઝપી કરનારા શખ્સો સામે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની તજવીજ શરૂ કરી છે.


