- દંપતી પોતાની મહિન્દ્રા સ્કોર્પિયોમાં બેસી મંદસૌરથી અમદાવાદ ખાતે વેચાણ કરવા જતા હતા
- 1 કિલો 396 ગ્રામ 710 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત 41,90,130), પ્લાસ્ટિક થેલીઓ, મોબાઈલ ફોન રોકડ સહિત 15 લાખની સ્કોર્પિયો મળી 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા શહેર એલસીબી ઝોન 4ની ટીમે બાતમીના આધારે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ લઈ જવાતો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગોલ્ડન ચોકડીથી લેક્ઝોન તરફ આવતા એરફોર્સના ગેટ સામે રોડ પરથી પસાર થતી સ્કોર્પિયો ગાડીને આંતરીને પોલીસે દંપતીની અટકાયત કરી કુલ 57,19,630નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ તાલુકાના સુરજની ગામમાં રહેતા અય્યુબખાન મોહમ્મદજમાનખાન અને તેની પત્ની નાઝમીન પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતા. આરોપી નાઝમીને પોતાના શરીર પર છાતીના ભાગે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો. બંને પતિ-પત્ની પોતાની માલિકીની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં બેસીને મંદસૌરથી અમદાવાદ ખાતે વેચાણ કરવા જઈ રહ્યા હતા.
એલસીબી ઝોન 4ની ટીમે ગત સાંજે હરણી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં એનડીપીએસ રાઇડ દરમિયાન તલાશી લેતા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો મંદસૌરના જાફર નામના શખ્સ પાસેથી 7,00,000 રોકડા આપીને ખરીદ્યો હતો અને અમદાવાદ રહેતા રવિ નામના શખ્સને વેચવાનો હતો. આ ગુનામાં ડ્રગ્સ સપ્લાયર જાફર અને ગ્રાહક રવિ બંને ફરાર હોવાથી પોલીસે તપાસ તેજ કરી છે.
પોલીસે આરોપી નાઝમીનની અંગઝડતીમાંથી 1 કિલો 396 ગ્રામ 710 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત 41,90,130), ખાલી પ્લાસ્ટિક થેલીઓ, મોબાઈલ ફોન રોકડ રકમ સહિત 15,00,000ની સ્કોર્પિયો ગાડી મળી કુલ 57,19,630 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનાહિત પ્રવૃત્તિ બદલ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


