વડોદરા જિલ્લામાં તા.26 જૂનથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ ઉજવાશે

વડોદરા જિલ્લાના તમામ અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ બાબતે બેઠક યોજાઈ હતી

MailVadodara.com - School-Entrance-Festival-Girl-Education-Festival-will-be-celebrated-for-3-days-from-June-26-in-Vadodara-district

- આ વર્ષે  શાળા પ્રવેશોત્સવની 21મી શ્રેણીને `સમાજોત્સવ' થીમ સાથે ઉજવવામાં આવશે, વડોદરા જિલ્લાની 1216 શાળાઓમાં કુલ 50,555 નવનામાંકિત બાળકો પ્રવેશ મેળવશે

વડોદરા જિલ્લામાં આગામી તા. 26થી 28 જૂન એમ ત્રણ દિવસ માટે તમામ સરકારી શાળાઓમાં `સમાજોત્સવ' થીમ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. શાળા પ્રવેશોત્સવની આ 21મી શ્રેણીમાં જિલ્લાની 1216 શાળાઓમાં કુલ 50,555 નવનામાંકિત બાળકો પ્રવેશ મેળવનાર છે.

શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાની બ્રિફિંગ મિટિંગનું ગાંધીનગર ખાતે આયોજન થયું હતું, તેમાં વડોદરાથી પણ તમામ અધિકારીઓ ક્લેક્ટર કચેરી ખાતેથી ઓનલાઇન જોડાયા હતા. આ મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યા બાદ વડોદરા ખાતે કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતા હેઠળ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ બાબતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરે જણાવ્યું કે, આ વર્ષે શાળા પ્રવેશોત્સવની 21મી શ્રેણીને `સમાજોત્સવ' થીમ સાથે ઉજવવામાં આવનાર છે. જેમાં પ્રાથમિક શાળા ઉત્તીર્ણ કરેલ મહત્તમ બાળકો માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવા પર ભાર આપવામાં આવશે.

વધુમાં ઉમેરતાં કલેકટરએ જણાવ્યું હતું કે, ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો' સૂત્ર હેઠળ જિલ્લાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી(SMC) અને સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ કમિટી (SMDC)ને વધુ સશક્ત કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, 21મા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લામાં કુલ આંગણવાડીમાં 4,624 ભૂલકાઓ; બાલવાટિકામાં 11,685 ભૂલકાઓ અને આંગણવાડીમાંથી ધોરણ-1માં 11,715 બાળકોનું નામાંકન કરવામાં આવશે. જ્યારે ધોરણ-9માં 15,440 અને ધોરણ-11માં 7,092 બાળકો પ્રવેશ મેળવનાર છે. આ સાથે આ વર્ષે જિલ્લામાં 6થી 14 વર્ષના શાળા બહારના 87 બાળકો પ્રવેશ મેળવશે. જ્યારે જિલ્લામાં બાલવાટિકા અને ધોરણ-1માં કુલ 97 દિવ્યાંગ બાળકો પણ પ્રવેશ મેળવનાર છે. વધુમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવા વડોદરામાં માર્ચ-2025માં ધોરણ-5માં યોજાતી CET પરીક્ષા કુલ 11,598 અને ધોરણ-8માં યોજાતી જ્ઞાનસાધના પરીક્ષામાં કુલ 10,968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, રેન્જ આઇજી સંદીપસિંઘ, અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સહિત નાયબ પોલીસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments