પાદરાના સરકારી ગોડાઉનનું અનાજ કરજણમાં સગેવગે કરવાનું કૌભાંડ, અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો

કરજણ પોલીસે જૂનાબજાર વિસ્તારમાં નેશનલ હાઇવે પર કેનાલના કાચા રસ્તા પરથી આઇસર ઝડપી

MailVadodara.com - Scam-of-transferring-grain-from-government-godown-in-Padra-to-Karjan-tempo-loaded-with-grain-seized

- આઇસર ગાડીના ડ્રાઇવર પાસે બીલ માંગતા કોઈપણ દસ્તાવેજ ન હોવાનું બહાર આવ્યું

- કરજણ પોલીસે આઇસર ગાડીમાંથી 120 બોરી ચોખા, 60 બોરી ઘઉં, 5 બોરી ચણા અને મોબાઈલ ફોન, આઈસર ગાડી અને અનાજનો જથ્થો મળી 7.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જુના બજાર વિસ્તારમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. જિલ્લાના કરજણ પોલીસે આ કાર્યવાહીમાં વાહન, અનાજ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 7.48 લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ પુરવઠા વિભાગે પણ તપાસ શરૂ કરી છે.


પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી ઘઉં, ચોખા તેમજ ચણાનો જથ્થો વગે કરવાનું કૌભાંડ કરજણ પોલીસે ઝડપી પાડયું છે. પ્રાપ્ત માહિતી મુજબ કરજણ પોલીસે કરજણના જુના બજારમાં ને.હા.નં.48 ખાતે આવેલ શિવવાડી મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પર આઈસર ટ્રકમાં સરકારી અનાજ ભરેલું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે કરજણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં કુલ 185 બોરી ભરેલ અનાજ હતું જેમાં 120 બોરી ચોખા, 60 બોરી ઘઉં, 5 બોરી ચણા હતા. આ મામલે પોલીસે કરજણ પુરવઠા વિભાગને જાણ કરતા તાત્કાલિક આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

કરજણ પોલીસે ઝડપેલ સરકારી અનાજ ટ્રકમાં સવાર એક શખ્સને ઝડપી પૂછપરછ કરી હતી. આ તપાસમાં તેનું નામ કાનાભાઈ કાળુભાઈ મીર (ઉ.વ. 31, રહે. જૂના બજાર, કરજણ, ધંધો, ડ્રાઈવિંગ) હોવાનું જણાવ્યું હતું. ગાડીમાં શું ભરેલું છે તે બાબતે પૂછતાં તેણે ઘઉં, ચણા અને ચોખાનું અનાજ હોવાનું સ્વીકાર્યું હતું. જોકે અનાજના બીલ માંગતા તેની પાસે કોઈપણ દસ્તાવેજ ન હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની વધુ પૂછપરછમાં ડ્રાઈવરે આ અનાજ પાદરા ખાતે આવેલા સરકારી ગોડાઉનમાંથી ભરેલું હોવાનું અને તેને છૂટક રીતે અલગ અલગ વેપારીઓને વેચવાનો ઈરાદો હોવાનું જણાવ્યું હતું. પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી જથ્થો કોણે વગે કર્યો તેમજ ક્યાં ક્યાં વેપારીઓને ગેરકાયદે પહોંચાડવાનો હતો તે દિશામાં કરજણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કરજણ પોલીસે મોબાઈલ ફોન, આઈસર ગાડી અને અનાજનો જથ્થો મળી કુલ રૂપિયા 7,48,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments