સાવલીના આસોજ ગામમાં ભાડાના મકાનમાં નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ, 2 શખ્સોની ધરપકડ

આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે આસોજ ગામમાં ભાડાનું મકાન લીધું હતું

MailVadodara.com - Scam-of-printing-fake-currency-notes-in-a-rented-house-in-Asoj-village-of-Savli-2-people-arrested

- આરોપીઓ સાવલી તેમજ આસપાસના વિસ્તારોમાં ભરાતા રાત્રિ બજારોમાં નકલી નોટો વટાવતા

- વડોદરા ગ્રામ્ય LCBની ટીમે રેડ કરી નકલી નોટો છાપવા માટે વપરાતું કલર પ્રિન્ટર, ખાસ પ્રકારનું કાગળ, બે લેપટોપ અને 500ના દરની 14 અને 200ના દરની 2 નકલી ચલણી નોટો જપ્ત કરી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામમાં ભાડાના મકાનમાં નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા ગ્રામ્ય LCBની ટીમે રેડ કરીને 500ના દરની 14 અને 200ના દરની 2 નકલી ચલણી નોટો જપ્ત કરી છે અને 2 આરોપીઓની ધરપકડ કરી છે. LCBએ બંને આરોપીને મંજુસર પોલીસને સોંપ્યા છે. બંને સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


બંને આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે વડોદરા જિલ્લાના આસોજ ગામમાં ભાડાનું મકાન લીધું હતું. આ મકાનમાં રાત-દિવસ 500 અને 200 રૂપિયાની અસલી જેવી દેખાતી હૂબહૂ નકલી નોટો છાપવાનું કામ ચાલતું હતું. વડોદરા ગ્રામ્ય LCBની ટીમને આ બાતમી મળતા PSI રાજેશ ચૌહાણ અને તેમની ટીમે આસોજ સ્થિત મકાનમાં રેડ કરી હતી. આ સમયે FSLની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. આ સમયે બંને આરોપી ઝપડાઈ ગયા હતા.

ઘટનાસ્થળ પરથી પોલીસે નકલી નોટો છાપવા માટે વપરાતું કલર પ્રિન્ટર, ખાસ પ્રકારનું કાગળ, બે લેપટોપ અને નકલી નોટો જપ્ત કર્યુ છે. પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 16 નકલી નોટો જપ્ત કરાઈ છે, જેમાં 500 રૂપિયાની 14 નોટો અને 200 રૂપિયાની 2 નોટોનો સમાવેશ થાય છે.

આરોપીની ઓળખ નરેન્દ્ર જંગલાલ પાલ (રહે. ઉત્તર પ્રદેશ) અને હેમંત મદનલાલ જાંગીડ (રહે. રાજસ્થાન) તરીકે થઈ છે. આ બંને જણ સાવલી તેમજ આસપાસના વિસ્તારોમાં ભરાતા રાત્રિ બજારોમાં જઈને આ નકલી નોટો વટાવતા હતા. તેઓ પ્રિન્ટરમાંથી વ્યવસ્થિત પ્રિન્ટ કાઢી, કટિંગ કરીને નોટો તૈયાર કરતા અને તેને બજારમાં ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


આ નકલી નોટો અત્યાર સુધી કયા-કયા બજારોમાં વટાવવામાં આવી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ કૌભાંડ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે અંગે પણ LCBની ટીમ ઊંડી તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ બંને આરોપીઓએ કેટલી નકલી ચલણી નોટો છાપી છે અને વટાવી લીધી છે, અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે, કે કેમ, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના લોકો નકલી ચલણી નોટો છાપીને ભારતીય અર્થતંત્રને ખોખલું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારે નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ રાજ્યના વિવિધ શહેરોમાં આ પહેલા પણ બહાર આવી ચૂક્યું છે. ત્યારે વડોદરાના આસોજમાં પણ આ કૌભાંડ સામે આવ્યું છે.

Share :

Leave a Comments