- આરોપી કિશોરે સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું, સતત શારીરિક શોષણના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી
- મંજુસર પોલીસ દ્વારા સગીરા અને આરોપી કિશોરનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં 17 વર્ષીય કિશોરે સગીરાને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સગીરાને 3 મહિનાનો ગર્ભ હોવાનું તબીબી તપાસમાં સામે આવતા સમગ્ર ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ થતા પીડિતાના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે મંજૂસર પોલીસે કિશોરને કસ્ટડીમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક ગામમાં રહેતી સગીરા પર કાયદાના સંઘર્ષમાં આવેલા 17 વર્ષીય કિશોરે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરે સગીરાને ધમકી આપી હતી કે, જો મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તને સમાજમાં ખોટી રીતે બદનામ કરી દઈશ. આ ધમકીના કારણે ડરી ગયેલી સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપી કિશોરે સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. સતત શારીરિક શોષણના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી.
આ દરમિયાન બે-ત્રણ મહિના સુધી માસિક ધર્મ ન આવતા માતાને શંકા જાગી હતી. પરિવારજનોએ સગીરાને હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ જતાં ડોક્ટરે અંદાજે અઢીથી ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આ વાત સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના જણાવી હતી.
સગીરાએ જણાવ્યું હતું કે, 17 વર્ષીય કિશોરે ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માતાએ મંજૂસર પોલીસ સ્ટેશનમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સગીરા અને આરોપી કિશોરનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


