માણેજાની મોટર્સ કંપનીના સેલ્સ કન્સલ્ટન્ટે ખોટી રસીદો બનાવી કંપનીને 10 લાખનો ચૂનો લગાડ્યો

શિવાંશુ મોટર્સ એલએલપી કંપનીના મેનેજરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Sales-consultant-of-Maneja-Motors-Company-swindled-the-company-of-Rs-10-lakh-by-making-false-receipts

- બુકિંગ દરમિયાન ગ્રાહકોને ડમી રસીદ આપી વેપલો કર્યો હતો, બે લોકોના ડાઉન પેમેન્ટ પણ આરોપીએ પચાવી પાડ્યા હતા, પોતાના એકાઉન્ટમાં ડાઉન પેમેન્ટના પૈસા લઈને ફરાર

વડોદરામાં છેતરપિંડીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. જ્યાં જુઓ ત્યાં રૂપિયાની લાલચે લોકો એક બીજાને ઠગી રહ્યા છે ત્યારે શહેરના માણેજા વિસ્તારમાં મોટર્સ કંપનીના સેલ્સ કન્સલ્ટન્ટ દ્વારા જ કંપની સાથે છેતરપિંડી આચરતા મેનેજરે મકરપુરા પોલીસ મથકમાં 10 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ છે.

શહેરના માણેજા ક્રોસિંગ પાસે આવેલી શિવાંશુ મોટર્સ એલએલપી કંપનીના મેનેજર વિપુલભાઈ કિરીટભાઈ શાહ દ્વારા કંપનીના એક કર્મચારી જયદીપ બાબુલાલ પરમાર સામે ગંભીર છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ કંપનીનો કર્મચારી જયદીપ પરમાર (રહે. ક્રિષ્ના એન્ક્લેવ, છાણી, વડોદરા) ચાર વર્ષથી કંપનીમાં સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેને કંપનીના ગ્રાહકો સાથે છેતરપિંડી કરી અને કંપનીનું નામ દુરુપયોગ કરી ખોટી રસીદો બનાવી હતી.

જેમાં 3 જુલાઈ 2025ના રોજ ચિરાગભાઈએ ક્રેટા એસએક્સ ગાડી બુક કરાવી અને જયદીપને રોકડા રૂ.6,25,000 ડાઉન પેમેન્ટ તરીકે આપ્યા હતા. જોકે, કંપનીના નિયમ મુજબ માત્ર રૂ. 1,99,000ની રોકડ લેવાની હતી. જયદીપે ખોટી રસીદ બનાવી આ રકમ પોતાના ખાતામાં રાખી હતી. બાદમાં પ્રિયલ પટેલે ક્રેટા એસએક્સ ગાડી બુક કરાવી અને રૂ.31,000ની બુકિંગ રકમ જયદીપના ગૂગલ પે ખાતામાં ટ્રાન્સફર કરી હતી બાદમાં જયદીપે કંપનીની ખોટી રસીદ આપી હતી. આ સાથે અદિતી મિત્રા નામના વ્યક્તિએ પણ ક્રેટા એસએક્સ ગાડી બુક કરાવી અને રૂ. 1,08,329નું ડાઉન પેમેન્ટ જયદીપના ગૂગલ પે ખાતામાં ટ્રાન્સફર કર્યું હતું, પરંતુ તેમને કોઈ રસીદ આપવામાં આવી નહીં.

બાદમાં વધુ લાલચમાં આવી 4 જૂન 2025ના રોજ જયદીપે કંપનીનો વિશ્વાસ મેળવી અને અંગત કારણોસર રૂ.1,50,000નો ચેક NEFT દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો, જે પરત કર્યો ન હતો. આ સાથે આરોપીએ કંપનીની જાણ બહાર ગ્રાહકોને રૂ.90,000ની કિંમતની એસેસરીઝ આપી દીધી હતી. જેથી કંપનીને કુલ રૂપિયા 10,04,329નું નુકસાન થતા મેનેજરે આરોપી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments