- પોલીસે આરોપી પાસેથી 775 ગ્રામ અફીણ, મોટરસાયકલ, મોબાઇલ તથા રોકડ રકમ મળી 3.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ગત રોજ વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પી આઈ બી.એન. ગોહિલ અને ટીમ દ્વારા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને બાતમી મળતા રેડ કરી હતી.

બાતમીના આધારે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરતા શેરખી ગામનો વિજયસિંહ ચંદ્રસિંહ પરમાર નશાકારક માદક પદાર્થ અફિણનું વેચાણ કરતો હોવાથી તેને ઝડપી માદક પદાર્થ અફીણનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો હતો. આરોપીની અંગઝડતી અને સ્થળ પરથી 775 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ સાથે મોટરસાયકલ, મોબાઇલ તથા રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપી વિજયસિંહ ચંદ્રસિંહ પરમાર (રહે શેરખી ગામ, કેનાલ પાસે, ભીમપુરા નજીક, તા. જિ. વડોદરા)સામે વર્ષ 2010 માં વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં એન.ડી.પી.એસ એક્ટ કલમ-17 હેઠળ ગુન્હો નોંધાયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 3,98,600 નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


