- નાર્કોટિક્સ નેટવર્કના મૂળ સુધી પહોંચી અત્યાર સુધીમાં 4 આરોપીને જેલભેગા કર્યા
વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત વડોદરા શહેર SOG દ્વારા NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલા ગાંજાના સપ્લાયર આરોપી મોહન બારજી આમલીયારને મધ્યપ્રદેશના બાજના વિસ્તારેથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તા. 13 મે, 2026ના રોજ SOGના પીઆઇ બી.ડી. જિતીયાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે આજવા રોડ સ્થિત એકતાનગર વિસ્તારમાં રેડ પાડી હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી રિઝવાન યુસુફભાઈ દીવાનના કબજામાંથી 10 કિલો 90 ગ્રામ ગાંજો, કિંમત રૂ. 5.04 લાખ તેમજ 22 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, કિંમત રૂ. 77 હજાર મળી કુલ લાખો રૂપિયાનો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(II)(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગાંજાના સપ્લાય ચેઇન અંગે પૂછપરછ કરતા મધ્યપ્રદેશના રહેવાસી મોહન નંદુ નિનામા અને વડોદરાના જયેશ ઉર્ફે કાનો નિતિનસિંહ ચૌહાણની સંડોવણી સામે આવી હતી. બંને આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
વધુ તપાસમાં ખુલ્યું હતું કે, કબજે કરાયેલા 10 કિલો 90 ગ્રામ ગાંજામાંથી 5 કિલો ગાંજો મધ્યપ્રદેશના રહેવાસી મોહન બારજી આમલીયારે મોહન નંદુ નિનામા મારફતે મુખ્ય આરોપી રિઝવાન દીવાનને વેચાણ માટે પહોંચાડ્યો હતો. જેના આધારે મોહન બારજી આમલીયારને ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. SOGની ટીમ મધ્યપ્રદેશમાં તપાસ માટે રવાના થઈ હતી. આરોપીના રહેણાંક વિસ્તારમાં ડુંગરાળ અને ગાઢ જંગલ વિસ્તારમાં સતત વોચ રાખ્યા બાદ રાત્રિના સમયે મોહન બારજી આમલીયાર (રહે. ઘાટા ખેરદા ગામ, પોસ્ટ પીપલીપાડા, તા. બાજના, જી. રતલામ, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન SOGએ ગાંજાના નેટવર્કના મૂળ સુધી પહોંચી કુલ ચાર આરોપીઓને જેલભેગા કર્યા છે. કેસમાં 10 કિલો 90 ગ્રામ ગાંજો, 22 ગ્રામ હાઇબ્રિડ ગાંજો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 7.87 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ કરી નાર્કોટિક્સ નેટવર્કના અન્ય સંપર્કો અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


