- 250 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો, નંબર પ્લેટ વગરની મોટરસાઇકલમાં ચરસ છુપાવ્યું હતું
- એસઓજી પોલીસે ચરસ, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત રૂ. 1.09 લાખનો મુદ્દામાલ કર્યો
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી નજીક આવેલી અન્સાર હોસ્પિટલ પાસે એસઓજી પોલીસે દરોડો પાડી 250 ગ્રામ ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચરસ, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ. 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પાદરાના આતી ગામનો રહેવાસી ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેક નંબર પ્લેટ વગરની ડિસ્કવર મોટરસાઇકલમાં ચરસ છુપાવી તાંદલજાના કિસ્મત ચોકડી નજીક આવેલી અન્સાર હોસ્પિટલ પાસે ગ્રાહકોને છૂટક વેચાણ કરવા આવે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને નંબર પ્લેટ વગરની ડિસ્કવર મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો.
બાઈકની તપાસ દરમિયાન સીટની નીચેથી 250 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસમાં આરોપીએ પોલીસથી બચવા માટે બાઇકની આગળ-પાછળની નંબર પ્લેટ સાઇડ બેગમાં છુપાવી રાખી હતી તેમજ વાહનના ચેસિસ અને એન્જિન નંબર સાથે પણ ચેડાં કર્યાનું બહાર આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં આરોપીએ આ ચરસનો જથ્થો આર્થિક લાભ મેળવવાના હેતુથી બિહારના બાપુધામ, મોતીહારી ખાતે રહેતા મનરાજ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો અને રેલવે મારફતે વડોદરા લાવી છૂટક વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેક તેમજ ફરાર આરોપી મનરાજ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે.


