- SOG પોલીસે છતીસગઢના 50 કિમીના જંગલ વિસ્તારમાં ફરી ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા આરોપીને દબોચી લીધો હતો
- આરોપીને વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે
વડોદરા SOG પોલીસે વડોદરાથી 1600 કિમી દૂર છત્તીસગઢના નકસલી વિસ્તારમાં આવેલ જંગલોમાં જઈને 27 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના મુખ્ય સપ્લાયર આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસની ટીમ છતીસગઢના 50 કિલોમીટરના જંગલ વિસ્તારમાં ફરી હતી અને ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા આરોપીને દબોચી લીધો હતો અને તેને લઈને તે વડોદરા આવી હતી. આજે આરોપીને વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.

ગત તા. 22 એપ્રિલ 2025ના રોજ હરણી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી કમ્ફર્ટ ઈન હોટેલ પાસે રેડ કરી હતી. ત્યાં એક બિનવારસી ટ્રક મળી આવ્યો હતો. ટ્રકની ઝડતી દરમિયાન કેબિનની પાછળ બનાવેલા ખાનામાંથી 45 પેકેટમાં 270 કિલો 50 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. હરણી પોલીસે મુદ્દામાલ કબજે કરીને NDPS અંતર્ગત હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. અને 27 લાખ રૂપિયાની કિંમતનો 279 કિલો 50 ગ્રામ ગાંજાનો વિપુલ જથ્થો જપ્ત થયો હતો અને ટાટા ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 35.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ દરમિયાન તા.23 મે 2025ના રોજ બાલોતરા (રાજસ્થાન) ખાતેથી પ્રથમ આરોપી સુરતાનખાન ઉર્ફે નીનીયા અમીનખાનને પકડવામાં આવ્યો હતો. તા.29 જાન્યુઆરી 2026ના રોજ ગાંજાના ભરાવનાર આરોપી પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇ (રહે. હેમનગર, જોધપુર, રાજસ્થાન)ને રાજસ્થાનમાંથી ધરપકડ કરીને 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

આ તપાસ દરમિયાન ગુનાના મુળ સુધી પહોંચવા માટે SOG ઇન્ચાર્જ પી.આઈ. સી.બી. ટંડેલના માર્ગદર્શન હેઠળ PSI આર.એન. સીસોદીયા તથા તેમની ટીમે રિમાન્ડ હેઠળના આરોપી પુખરાજ બિશ્નોઇને સાથે રાખીને તપાસ આગળ વધારી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મુખ્ય સપ્લાયર રમેશ પેમારામ ડારા (બિશ્નોઇ) (મૂળ રહેઠાણ હેમનગર ગામ, જોલીયાલી, પો. પુનીયા કી પ્યાંઉ, થા. ઝંવર, તા. લુણી, જિ. જોધપુર (રાજસ્થાન), હાલનું રહેઠાણ નગરી, જિ. ધમતરી, છત્તીસગઢ)નું સ્થાન છત્તીસગઢના ધમતરી તેમજ નક્સલવાદી પ્રભાવિત કલ્લેમેટા ગામના જંગલી વિસ્તારમાં ખેતરોમાં છુપાયેલો હોવાનું ખુલ્યું હતું.
SOG પોલીસની ટીમે નક્સલી વિસ્તારમાં જીવના જોખમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન 50 કિલોમીટરના જંગલ વિસ્તારમાં તેને શોધવામાં આવ્યો હતો. PSI આર.એન. સીસોદીયા અને તેમની ટીમ જંગલમાં અડધો કિલોમીટર સુધી ચાલતા ચાલતા ગઈ હતી અને છત્તીસગઢના નક્સલી એરિયામાં આવેલા કલ્લેમેટા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી રમેશ પેમારામ ડારા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા મળી આવ્યો હતો. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને વડોદરા લાવવામાં આવ્યો હતો.


