એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા

શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરાઇ

MailVadodara.com - SOG-and-Crime-Branch-conducted-two-separate-raids-and-arrested-two-accused-along-with-a-quantity-of-ganja

- અકોટા બ્રિજ નીચેના નવાવાસ વિસ્તારના મકાનમાંથી SOGએ 1.501 કિલો ગાંજો ઝડપાયો

- માંજલપુરમાં પવનનગર ખાતે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 496.60 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો

વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરને નશામુક્ત બનાવવા માટે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને કેસમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકોટા બ્રિજ નીચેના મકાનમાંથી 1.501 કિલો ગાંજો ઝડપાયો

Vadodara Police Crackdown on Drugs | Ganja Seized, Accused Nabbed

વડોદરા શહેર એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે અકોટા વિસ્તારના દાંડિયાબજાર બ્રિજ નીચે આવેલા નવાવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી મુજબ ઝુબેરભાઈ રબભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરતો હતો. એન.ડી.પી.એસ. એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરીને પોલીસે મકાનની તપાસ કરતા 75 હજાર રૂપિયાની કિંમતની 1 કિલો 501 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી ગની નિઝામ શેખ સાથે મળીને ગાંજાની ખરીદી કરી તેનું ગેરકાયદે વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત એક મોબાઇલ ફોન અને ડિજિટલ વજનકાંટો મળી કુલ રૂ. 80,150નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે સહઆરોપી ગની નિઝામ શેખ હાલ ફરાર છે.

માંજલપુરમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, આરોપી પાસેથી ગાંજો જપ્ત

Vadodara Police Crackdown on Drugs | Ganja Seized, Accused Nabbed

બીજી તરફ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે માંજલપુરના જી.આઇ.ડી.સી. કોલોની વિસ્તારના પવનનગર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી મુજબ આફતાબઆલમ ઉર્ફે લંબુ અનવર અંસારી પોતાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો ધંધો ચલાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મકાનની તપાસ દરમિયાન પ્રથમ માળે આવેલા રૂમમાં કાપડના થેલામાં સંતાડેલો 496.60 ગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 24,800 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઉપરાંત એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ ગાંજાનો જથ્થો સુરતના અશ્વીનીકુમાર સ્મશાનઘાટ નજીક રેલવે પટરી પાસે મળેલા અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આ આધારે પોલીસે પકડાયેલા આરોપી તેમજ ગાંજો સપ્લાય કરનાર અજાણ્યા શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી) અને 29 મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આફતાબ આલમ અનવર અંસારી અગાઉ પણ બે વખત ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ. 24,800નો ગાંજો અને મોબાઇલ ફોન કબજે કરીને વધુ તપાસ માટે કેસ માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Share :

Leave a Comments