- ટ્રકની તપાસ કરતા તેમાંથી 60.19 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાથે બે આરોપીની ધરપકડ
- પોલીસે વોન્ટેડ જાહેર કરેલા અન્ય 4 આરોપીની શોધખોળ શરૂ કરી

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર GSFC બ્રિજ પાસે છાણી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતો ટ્રક ઝડપાયો હતો, જેમાંથી 62.19 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ મામલે SMCએ બે આરોપીની ધરપકડ કરીને દારૂ સહિત ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર GSFC બ્રિજ પાસે નાગાલેન્ડ પાસિંગના એક કન્ટેનરમાં લાકડાના ભૂસાની થેલીઓની આડમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી છે. આ દારૂનો જથ્થો હરિયાણાથી ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે SMCની ટીમ સ્થળે દરોડો પાડી કન્ટેનર સાથે ટ્રક ડ્રાઈવર સતવીરસિંહ વાલ્મિકી (ટ્રકનો ડ્રાઈવર, રહે. ખુંગાઈ, તા. બદલી, જિ. ઝજ્જર, હરિયાણા) અને મનજીત શર્મા (ટ્રકનો સહ-ડ્રાઈવર, રહે બિરધાણા, તા. ડી. ઝજ્જર, હરિયાણા)ને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે ઋષિરાજ ઝજ્જર (સપ્લાયર, રહે મહેરાણા, હરિયાણા), રાકેશ જાટ (સપ્લાયર), અજાણ્યો વ્યક્તિ (રિસિવર), રહે ગાંધીધામ, કચ્છ અને ટ્રકનો માલિક (ટ્રક નંબર NL-01-AJ-6162)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


ટ્રકની તપાસ કરતા તેમાંથી 60.19 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હરિયાણાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરી, ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. આ પહેલા પણ છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડો પાડીને દારૂ ઝડપી પાડ્યો હતો. આમ અવારનવાર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમની રેડ થાય છે, ત્યારે દારૂબંધી માત્ર નામની હોય તેમ લાગી રહ્યું છે.




