- કાર છોડીને ભાગી જનાર ડ્રાઇવર અરવિંદભાઇ ભીલ (રહે.બોરચાપડા)ને પોલીસે વોન્ટેડ જાહેર
- દારૂ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

કાયાવરોહણ - ખાનપુર ચોકડી નજીકથી ગ્રામ્ય પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે ૨.૯૦ લાખનો દારૂ કબજે કર્યો છે.

વડોદરા જિલ્લા એલ.સી.બી.ની ટીમ વહેલી સવારથી ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશનની કામગીરીમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, દારૂ ભરેલી એક સફેદ કલરની કાર કાયાવરોહણથી ખાનપુર ચોકડી થઇ વડોદરા તરફ જવાની છે. જેથી, પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. પોલીસને જોઇને દારૂ ભરેલી કાર છોડીને ડ્રાઇવર ભાગી ગયો હતો. જ્યારે ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલો દિનેશ તેલીયાભાઇ ભીલ (રહે.બોરચાપડા, સીંબોડા ફળિયું, તા.કવાંટ, જિ.છોટાઉદેપુર) મળી આવ્યો હતો. કારમાંથી દારૂની ૧,૦૭૧ બોટલ કિંમત રૂપિયા ૨.૯૦ લાખની મળી આવી હતી.

પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ ભરેલી કાર છોડીને ભાગી જનાર અરવિંદભાઇ કમસિંગભાઇ ભીલ (રહે.બોરચાપડા)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.


