હરણી-વારસિયા રિંગ રોડના નિવૃત્ત વીમા કર્મચારીના બેન્ક ઇન્ડિયાના ખાતામાંથી 6.99 લાખ ઉપડી ગયા

પેન્શન કાર્ડની લાલચમાં નિવૃત્ત કર્મચારી સાથે સાયબર છેતરપિંડી

MailVadodara.com - Rs-6-99-lakh-was-withdrawn-from-the-Bank-of-India-account-of-a-retired-insurance-employee-living-on-the-Harni-Warasia-Ring-Road

- ફેસબુક પર પેન્શન કાર્ડની જાહેરાત જોઈ લિંક ખોલી, ત્યારબાદ વોટ્સએપ કોલથી APK ફાઇલ મોકલાઈ, APK ફાઇલમાં વિગતો ભરાવ્યા બાદ ખાતામાંથી રકમ કપાઈ

ઓનલાઇન ઠગો હવે પેન્શનર્સને પણ ટાર્ગેટ કરી રહ્યા છે અને તેના માટે જુદીજુદી બેન્કોની એપીકે ફાઇલ મોકલી રહ્યા છે.આ પ્રકારના વધુ એક કિસ્સામાં નિવૃત્ત કર્મચારીએ રૂ.૬.૯૯ લાખ ગુમાવતાં સાયબર સેલમાં ફરિયાદ કરી છે.

હરણી-વારસિયા રિંગરોડની કમલા નગર સોસાયટીમાં રહેતા અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાંથી નિવૃત્ત થયેલા રાજેશભાઇ શાહે પોલીસને કહ્યું છે કે મારું બેન્ક ઓફ ઇન્ડિયામાં સેવિંગ ખાતું છે.ગઇ તા.૪થી ઓગષ્ટે મારા ફેસબુક પર એક એડવર્ટાઇઝ આવી હતી.જે બેન્ક ઓફ ઇન્ડિયાના પેન્શન કાર્ડ બાબતની હતી.

આ જાહેરાતની લિન્ક પર ક્લિક કરતાં એક પેજ ઓપન થયું હતું,જેમાં મેં મારો મોબાઇલ એડ કર્યો હતો.પેજમાં મને પૂછવામાં આવ્યું હતું કે તમે બેન્ક ઓફ ઇન્ડિયાના પેન્શનર છો કે કેમ?જેથી મેં યસ કર્યું હતું.આ પછી બીજા દિવસે મને વોટ્સએપ કોલ આવ્યો હતો અને બેન્ક ઓફ ઇન્ડિયમાંથી વાત કરું છું તેમ કહી તમે પેન્શન કાર્ડ માટે એપ્લાય કર્યું છે પણ સર્વર ડાઉન હોવાથી સમય લાગશે તેમ કહ્યું હતું.

નિવૃત્ત કર્મચારીએ કહ્યું છે કે,ત્યારબાદ મને બેન્ક ઓફ ઇન્ડિયાની એપીકે ફાઇલ મોકલીને તેમાં વિગતો ભરાવવામાં આવી હતી.જે વિગતો ભરતાં જ મારા ખાતામાંથી રૂ.૬.૯૯ લાખ ઉપડી ગયા હતા,અને આ બાબતે સાયબર સેલને જાણ કરી હતી.

પેન્શનર્સને ઠગવા માટે ઓનલાઇન ઠગો જુદી જુદી બેન્કોની એપીકે ફાઇલ બનાવીને અનેક લોકોને મોકલતા હોય છે.તેઓ પેન્શનર કાર્ડ બનાવવાથી શું ફાયદા થાય છે તેનો ઉલ્લેખ કરીને નિવૃત્ત કર્મચારીને ફસાવતા હોય છે.જે બેન્કમાં નિવૃત્ત કર્મચારીનું પેન્શન એકાઉન્ટ હોય તે બેન્કના પેન્શનર કાર્ડ મેળવવા એપીકે ફાઇલમાં એપ્લાય કરે એટલે તરત જ તેમના ખાતામાંથી રકમ ઉપડી જતી હોય છે.

Share :

Leave a Comments