અમેરિકાની વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી નડિયાદની મહિલા પાસેથી રૂા.4.77 લાખ પડાવ્યા

નડિયાદમાં રહેતી 30 વર્ષીય પૂજા દેસાઈએ જાહેરાત જોઈને બ્લોસમ ગ્રુપનો સંપર્ક કર્યો હતો

MailVadodara.com - Rs-4-77-lakh-swindled-from-a-Nadiad-woman-under-the-pretext-of-securing-a-US-work-permit

- 3 મહિનામાં વર્ક પરમિટની ખાતરી આપી નાણાં પડાવ્યા, ઓફિસ બંધ જણાતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, ગેંડા સર્કલ નજીક આવેલી બ્લોસમ ગ્રુપના સંચાલક હેમલ પટેલ સામે ફરિયાદ

- રૂ.5.77 લાખ લીધા બાદ માત્ર એક લાખ પરત આપ્યા, બાકીની રકમ પરત ન આપી

નોકરી માટે અમેરિકા માટે વિઝા કન્સલ્ટન્સીની જાહેરાત જોઈને સંપર્ક કરનાર નડિયાદની મહિલાને વર્ક પરમિટ અપાવવાના બહાને 4.77 લાખ રૂપિયા ઠગાઈ થઈ છે. બ્લોસમ ગ્રુપના સંચાલક હેમલ ઉર્ફે રૂદ્ર ઉર્ફે ભયલુ નરેન્દ્ર પટેલે 3 મહિનામાં અમેરિકાની વર્ક પરમિટ થઈ જશે, તેવી ખાતરી આપ્યા બાદ તેમની પાસેથી અલગ-અલગ હપ્તામાં નાણાં મેળવ્યા હતા. જોકે બાદમાં ઓફિસ બંધ કરી દીધી હતી. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરી છે.

નડિયાદમાં રહેતી 30 વર્ષીય પૂજા દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વિદેશમાં નોકરી માટે સારી વિઝા કન્સલ્ટન્સીની શોધમાં હતી. આ દરમિયાન બ્લોસમ ગ્રુપની જાહેરાત જોઈ હતી, જેમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. હેમલ પટેલે પૂજાને વડોદરાના ગેંડા સર્કલ નજીક આવેલી બ્લોસમ ગ્રુપની ઓફિસે બોલાવી હતી. જ્યાં અમેરિકાના વર્ક પરમિટ માટે 8 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને શરૂઆતમાં રૂ.6 લાખ ચૂકવવાના રહેશે તેમ કહ્યું હતું.

પૂજાએ ડિસેમ્બર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન 5.77 લાખ રૂપિયા બ્લોસમ ગ્રુપના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ 3 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી આપી હતી. સમય વીતી ગયા બાદ પૂજાએ સંપર્ક કરતાં આરોપીએ કામ ચાલુ હોવાનું કહી સમય પસાર કર્યો હતો.

આખરે પૂજા ઓફિસે પહોંચી હતી, ત્યારે ઓફિસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં અન્ય લોકોને પણ વિદેશ મોકલવાના બહાને નાણાં પડાવી ઓફિસ બંધ કરી દેવામાં આવી હોવાની જાણ થઈ હતી.

પૂજાએ વારંવાર સંપર્ક કરી રકમ પરત માગતાં આરોપીએ 1 લાખ રૂપિયા પરત કર્યા હતા, પરંતુ બાકી 4.77 લાખ રૂપિયા પરત કર્યા નહોતા. પોલીસે હેમલ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments