- તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ 2.80 લાખ રૂપિયાની મત્તાની ચોરી ફરાર
વડોદરાના છાણી કેનાલ રોડ પર આવેલા ક્રિષ્ના પ્લેનેટમાં રહેતા રેલવેના સિનિયર સેક્શન ઓફિસરના ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરોએ કબૂતરની જાળી કાપીને ઘરમાં પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ 10,000 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 2.80 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.
ફરિયાદી પૂજાબેન યોગેશભાઈ મહેન્દ્ર ગોત્રી, જે કલાસીસમાં ટ્યુશન ટીચર તરીકે કામ કરે છે, તેમના પતિ પ્રતાપનગર ખાતે રેલવેની ડીઆરએમ ઓફિસમાં સિનિયર સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 20 મેના રોજ પૂજાબેન ભોપાલ ગયા હતા અને 31 મેના રોજ વડોદરા પરત ફર્યા હતા. આ દરમિયાન તેમના પતિ નિયમિત નોકરી પર જતા હતા. 4 જૂનના રોજ સવારે સાડા નવ વાગ્યે પૂજાબેન ઘરની સફાઈ કરતી હતી ત્યારે તેમને ફ્લેટના હોલમાં લગાવેલી કબૂતરની જાળી કાપેલી જણાઈ હતી. જેથી તેમને શંકા જતાં તેમણે બેડરૂમની તિજોરી તપાસી, જ્યાં સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હતા. પૂજાબેને આ મામલે ચોરીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ હાથ ધરી રહી છે.