દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી સાયબર ઠગોએ વાઘોડિયાના યુવક પાસેથી 2.75 લાખ પડાવ્યા

ફળિયુ ગામે રહેતા વિનોદભાઈ બળવંતભાઈ પઢિયારે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Rs-2-75-lakh-from-a-youth-from-Waghodia-claiming-that-a-gift-packet-had-arrived-from-Dubai

- તમારું ગીફ્ટ પાર્સલ મુંબઈ એરપોર્ટ પર આવી ગયું છે, માત્ર રૂપિયા 20 હજાર જમા કરાવવાના રહેશે કહેતા લાલચમાં આવીને વિનોદભાઈએ વિવિધ ખાતામાં 2.75 લાખ જમા કરાવ્યા હતા

વડોદરા શહેર જિલ્લામાં ઠગાઇના કિસ્સાઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજના આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં લોકો કોઈને કોઈ કારણોસર ઠગાઇનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરાના વાઘોડિયાનો યુવાન ઇનામની લાલચમાં આવી રૂપિયા 2.75 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડીયા તાલુકાના ફળિયુ ગામે રહેતા 32 વર્ષીય યુવાન વિનોદભાઈ બળવંતભાઈ પઢિયારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, અજાણ્યા સાયબર ઠગોએ દુબઈની ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના નામે મોટું ઈનામ લાગ્યાનું લાલચ આપીને તેમની પાસેથી ઓનલાઈન છેતરપિંડી કરી રૂપિયા 2.75 લાખથી વધુની રકમ પડાવી હતી. તેઓ કંપનીમાં નોકરી કરે છે અને ફેસબુકના ઉપયોગ સમયે એક ફોટા પર ક્લિક કરતાં જ તેઓને વોટ્સએપ પર કોલ આવ્યો હતો.

કૉલ કરનાર વ્યક્તિએ પોતાને દુબઈની ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ (ભડેભાઈ છોટેભાઈ)નો છોટેભાઈ ગણાવી હિન્દીમાં વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તમને મોટું ઈનામ લાગ્યું છે, બે iPhone, સોનાની વીંટી, સોનાની કડાં, સોનાનું ડોકિયું અને રૂપિયા 5 લાખ રોકડા લાગ્યા છે. તમારું ગીફ્ટ પાર્સલ મુંબઈ એરપોર્ટ પર આવી ગયું છે, માત્ર રૂપિયા 20 હજાર જમા કરાવવાના રહેશે. આ લાલચમાં આવીને વિનોદભાઈએ ઠગોના કહેવા મુજબ વિવિધ ખાતાઓમાં કુલ રૂપિયા 2,75,000 જમા કરાવ્યા હતા.

ફરિયાદીને પૈસા જમા કરાવ્યા છતાં કઈ ઇનામ ન મળતા શંકા ગઈ હતી અને બાદમાં તેઓએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી તાત્કાલિક આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાલમાં વાઘોડિયા પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments