- કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોલ્ડન જંકશન પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે, વરસાદી પાણી ભરવાની જૂની સમસ્યામાંથી છુટકારો મળશે
- વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી, હાઇવે પર મહત્તમ જંક્શન પર કામગીરી પૂર્ણ
ગોલ્ડન ચોકડી જંક્શન પર વરસાદી ગટરની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મશીનરીની હેરફેર અને કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા 7 એપ્રિલ, 2026થી આગામી 15થી 20 દિવસ સુધી અથવા તો કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોલ્ડન જંકશન પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જંકશન પરથી પસાર થતા મુસાફરો અને વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી કામગીરીમાં કોઈ અવરોધ ન આવે અને ટ્રાફિકજામની સમસ્યા નિવારી શકાય.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મહત્વના જંક્શનો જેવા કે ગોલ્ડન, આજવા, કપુરાઈ, વાઘોડિયા અને તરસાલી ખાતે વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ કલ્વર્ટ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે મેસર્સ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પાલિકા દ્વારા વાઘોડિયા, કપુરાઈ અને તરસાલી જંકશન પર આ પ્રકારની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે બાકી રહેલા ગોલ્ડન જંકશન પર આ આધુનિક ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ચોમાસા દરમિયાન શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે આ બોક્સ કલ્વર્ટની કામગીરી જરૂરી છે. ગોલ્ડન જંકશન એ હાઈવે અને શહેરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહનોનું ભારણ વધુ રહે છે, પરિણામે પાલિકાએ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સી દ્વારા સતત મજૂરો અને ટેકનિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જૂની સમસ્યાથી કાયમી છુટકારો મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


