વડોદરામાં ચાલુ બાઈકે ફટાકડા ફોડી અરાજકતા ફેલાવતા ચાલકની અટકાયત, પોલીસે કાન પકડાવી માફી મંગાવી

પ્રજાજનોમાં ભય ઊભો કરનાર એક બુલેટ ચાલક સામે ગોરવા પોલીસે લાલ આંખ કરી

MailVadodara.com - Rider-detained-for-causing-chaos-by-bursting-firecrackers-while-riding-a-bike-in-Vadodara-police-made-him-hold-his-ears-and-apologize

- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સર્વેલન્સ ટીમે બાઇક નંબર GJ-06-JG-1761ના આધારે ચાલકને શોધી કાઢ્યો, બુલેટ ચાલક પાસે માફી મંગાવી બાંયધરી લેવાઈ

વડોદરા શહેરના ગેંડા સર્કલ ખાતે જાહેર રસ્તા પર મોડીફાઇડ સાઇલેન્સર લગાવી, ફટાકડા ફોડી કર્કશ અવાજો કરીને પ્રજાજનોમાં ભય ઊભો કરનાર એક બુલેટ ચાલક સામે વડોદરા શહેરની ગોરવા પોલીસે લાલ આંખ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ બુલેટ ચાલકની અટકાયત કરી તેને કાયદાનું ભાન કરાવ્યું છે.


તાજેતરમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં એક બુલેટ ચાલક ગેંડા સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં પોતાના વાહનમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને ફટાકડા ફોડતો હતો. આ પ્રકારે થતા અતિશય ધ્વનિ પ્રદૂષણ અને સ્ટન્ટબાજીના કારણે રસ્તે જતાં રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું હતું.

શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સૂચનાથી આવા દેખાડો કરતા અને અવાજ પ્રદૂષણ ફેલાવતા સ્ટન્ટબાજો સામે કડક કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયાના ધ્યાને આ વાયરલ વીડિયો આવતાં જ તેમણે તુરંત જ પોલીસ સર્વેલન્સ સ્ટાફને તપાસના આદેશ આપ્યા હતા. સર્વેલન્સ ટીમે વાયરલ વીડિયોનું બારીકાઈથી વિશ્લેષણ કરીને વાહનનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-JG-1761 શોધી કાઢ્યો હતો.

આ આધારે ગોરવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બુલેટ નંબર GJ-06-JG-1761 ના ચાલકને વાહન સાથે ઝડપી લીધો હતો. કાયદાનો ભંગ કરનાર આ ચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને ગોરવા પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે બાઇક ચાલક પાસે કાન પકડાવી તેની પાસે માફી મંગાવી હતી અને હવે આવું કૃત્ય નહીં માટે તેની બાંયધરી લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા સમયાંતરે આવી કાર્યવાહી કરાય છે છતાં કેટલાકને કાયદાનો ડર જરાય રહ્યો નથી ત્યારે આવા ઇસમો વિરુધ્ધ કડક રાહે કાર્યવાહી કરવાની જરૂર છે.

Share :

Leave a Comments