પાઈનેપલની ખરીદતી મહિલાનું પર્સ ચોરી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો, 63 હજારનો મુદ્દામાલ જપ્ત

વારસીયા રિંગ રોડ પર સર્વાનંદ હોલ પાસે મહિલાની નજર ચૂકવી રિક્ષાચાલક પર્સ ચોરી ગયો હતો

MailVadodara.com - Rickshaw-driver-arrested-for-stealing-purse-of-woman-buying-pineapple-valuables-worth-Rs-63000-seized

- પોલીસે આરોપી શાહરૂખ પાસેથી રોકડ રૂા.7,600, એરબડ્સ (કિ. રૂ. 5,000), મોબાઇલ ફોન (કિ. રૂ. 1,000) અને ઓટોરિક્ષા (કિ. રૂ. 50,000) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

- ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલા આરોપી શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ સામે અગાઉ ચોરી, રાઇટિંગ, મારામારી, જુગાર, હથિયાર રાખવા જેવા 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં મહિલાની નજર ચૂકવીને તેના પર્સની ચોરી કરીને ભાગી જનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. જેથી રૂ. 55,000ની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં રહેતા ફરિયાદી મહિલા વડોદરા શહેરના વારસીયા રિંગ રોડ પર સર્વાનંદ હોલ પાસેના ફૂટપાથ પર પાઇનેપલ ખરીદી રહી હતી. તે દરમિયાન તેમની એક્ટિવા સ્કૂટર પાસે મૂકેલ પર્સમાં આશરે રૂ. 50,000ની રોકડ અને OnePlus Buds Pro 3 એરબડ્સ સહિત કુલ રૂ. 55,000ની મત્તા હતી. અજાણ્યા ઓટોરિક્ષા ચાલકે મહિલાની નજર ચૂકવીને પર્સ ચોરી લીધું અને ઓટોરિક્ષામાં ભાગી ગયો હતો. આ અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.


વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ શરૂ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના અનેક ગુનાઓમાં પકડાયેલ શાહરૂખ ઉર્ફે નટુ ઇસ્માઇલભાઇ પઠાણ (રહે. ઇન્દીરાનગર ઝુપડપટ્ટી, હાથીખાના પાસે, બ્રિજ નીચે, વડોદરા) હાથીખાના ઇન્દીરાનગર બ્રિજ પાસે તેની ઓટોરિક્ષા સાથે હાજર છે. તેની પાસે ચોરેલા એરપોડ્સ અને રોકડ રાખેલ હોવાની શંકા હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને તપાસ કરતાં આરોપીને તેની ઓટોરિક્ષા સાથે ઝડપી લીધો હતો. ઝડતીમાં તેની પાસેથી રોકડ રૂ. 7,600, OnePlus કંપનીના એરબડ્સ, વિવો મોબાઇલ ફોન અને ઓટોરિક્ષા મળી આવી. સઘન પૂછપરછમાં આરોપીએ વારસીયા ખાતેની ચોરીની ઘટના કબૂલી લીધી અને પર્સમાંથી ચોરેલી વસ્તુઓ તેની પાસેથી મળી આવી હોવાનું જણાવ્યું. તેણે ચોરીમાં ઓટોરિક્ષાનો ઉપયોગ કર્યો હોવાનું પણ સ્વીકાર્યું હતું.


પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. 7,600, OnePlus Buds Pro 3 એરબડ્સ (કિ. રૂ. 5,000), વિવો મોબાઇલ ફોન (કિ. રૂ. 1,000) અને ઓટોરિક્ષા (કિ. રૂ. 50,000) મળી કુલ અંદાજિત રૂ. 63,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, આરોપી શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ સામે અગાઉ ચોરી, રાઇટિંગ, મારામારી, જુગાર, હથિયાર રાખવા જેવા 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ગોરવા, રાવપુરા, વાડી, કારેલીબાગ, માંજલપુર, વારસીયા, ફતેગંજ, સયાજીગંજ, પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આરોપીને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે વારસીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments