રસ્તો પૂછવાના બહાને નિવૃત RPF જવાનની નજર ચૂકવી 50 હજાર ચોરી લેનાર રિક્ષા ચાલક ઝડપાયો

મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરામાં રહેતા પ્રહલાસિંગ જાટવ બેંકમાંથી રૂપિયા ઉપાડી ચાલતા જતા હતા

MailVadodara.com - Rickshaw-driver-arrested-for-stealing-Rs-50-000-from-retired-RPF-jawan-on-pretext-of-asking-for-directions

- પોલીસે ફરામજીની ચાલી પાસેથી આરોપી શાહરૂખમીયા ઉર્ફે શાહરૂખલાલા આબાદમીયા મલેક (રહે. પેટલાદ)ને ઝડપી 19 હજાર રોકડા અને રિક્ષા મળી 69 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

શહેરના અલકાપુરી વિસ્તારમાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને જઈ રહેલા એક નિવૃત RPF જવાનની નજર ચૂકવી ખિસ્સામાંથી 50,000ની ચોરી કરનાર શાતિર રિક્ષા ચાલકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સામે અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.


મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના સોખડા રોડ પર રહેતા 60 વર્ષીય પ્રહલાસિંગ જાટવ તાજેતરમાં જ RPFમાંથી નિવૃત થયા છે. ગત 21 એપ્રિલના રોજ તેઓ પોતાની ભત્રીજીના લગ્ન હોવાથી અલકાપુરીની SBI શાખામાંથી 1.50 લાખ ઉપાડીને રેલવે સ્ટેશન તરફ પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા ચાલકે તેમને અટકાવી પોતે નવો હોવાનું કહી રેલવે સ્ટેશનનો રસ્તો પૂછ્યો હતો. રસ્તો બતાવવાના બહાને રિક્ષા ચાલકે તેમને ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડ્યા હતા. સ્ટેશન ઉતરીને જોયું તો તેમના ખિસ્સામાંથી 50,000નું એક બંડલ ગાયબ હતું.

ઘટના અંગે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાતા PI એસ.જે. પંડ્યા અને ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને રિક્ષાનો નંબર (GJ 23 X 7791) શોધી કાઢ્યો હતો. બાતમીના આધારે પોલીસે સ્ટેશન પાછળ ફરામજીની ચાલી પાસેથી આરોપી શાહરૂખમીયા ઉર્ફે એમ.ડી. ઉર્ફે શાહરૂખલાલા આબાદમીયા મલેક (રહે. પેટલાદ, જી. આણંદ)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી 19,000 રોકડા અને 50,000ની કિંમતની રિક્ષા મળી કુલ 69,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી શાહરૂખ સામે અગાઉ આણંદ, વિદ્યાનગર, પેટલાદ, તારાપુર, રાવપુરા અને અકોટા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના 15 ગુનાઓ નોંધાયેલા છે અને તે પાસા (PASA) હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Share :

Leave a Comments