વડોદરામાં 5 લાખની FDના બહાને નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી, બે સામે પોલીસ ફરિયાદ

એક્સિસ બેંકના કથિત સેલ્સ મેનેજરે વિશ્વાસ કેળવીને રૂપિયા 5 લાખની ઠગાઈ આચરી

MailVadodara.com - Retired-senior-citizen-defrauded-in-Vadodara-under-the-pretext-of-a-5-lakh-FD-police-complaint-filed-against-two-individuals

વડોદરા શહેરમાં નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે રોકાણના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમા કેનાલ રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટી સામે રહેતા 61 વર્ષીય નિવૃત્ત નાગરિક નિરંજનભાઈ પરષોત્તમભાઈ મહેતા સાથે એક્સિસ બેંકના કથિત સેલ્સ મેનેજરે વિશ્વાસ કેળવીને રૂપિયા 5 લાખની ઠગાઈ આચરી છે. આ મામલે ભોગ બનનાર સિનિયર સિટિઝન દ્વારા છેતરપિંડી કરનાર ટોળકી વિરુદ્ધ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદની વિગતો મુજબ, ફરિયાદી નિરંજનભાઈ અગાઉ એલેમ્બિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ તેમનું સેલરી એકાઉન્ટ સમા સાવલી રોડ સ્થિત એક્સિસ બેંકની શાખામાં કાર્યરત હતું. બેંકની અવારનવાર મુલાકાત દરમિયાન તેમની ઓળખાણ પોતાને બેંકના સેલ્સ મેનેજર તરીકે ઓળખાવતા જયેશભાઈ લીંબાભાઈ પરમાર સાથે થઈ હતી.

આરોપી જયેશ પરમારે ફરિયાદીના રિટાયર્ડમેન્ટના પીએફ (PF) અને ગ્રેચ્યુઈટીના નાણાંનું ઊંચું વળતર આપનારી સ્કીમમાં રોકાણ કરવા માટે ફિક્સ ડિપોઝિટ અને અન્ય પેન્શન યોજનાઓ સમજાવી હતી. આરોપી સેવા કરવાના બહાને ફરિયાદીના ઘરે આવીને અલગ-અલગ તારીખોએ એફ.ડી. કરાવી આપી ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.

સંપૂર્ણ વિશ્વાસમાં લીધા બાદ આરોપી જયેશ પરમારે પૂર્વે કરેલી એક એફ.ડી. તોડાવીને નવી સ્કીમમાં રૂપિયા 5 લાખની નવી એફ.ડી. કરાવવાની હતું. આ બહાને તેણે ફરિયાદીના ઘરેથી રૂ. 5 લાખનો સહી કરેલો ચેક મેળવ્યો હતો. જોકે, આ રકમની નવી એફ.ડી. બનાવવાને બદલે આરોપીએ છાણી જકાતનાકા પાસે આવેલી એક્સિસ બેંકની શાખામાંથી એક મોટો નાણાકીય કારસો રચ્યો હતો.

આરોપીએ ફરિયાદીના ચેક પર તેમજ આરટીજીએસ (RTGS) ફોર્મ પર ખોટી અને બોગસ સહીઓ કરી હતી. ત્યારબાદ આ નાણાં પોતાના મિત્ર સુજીતસિંહ ધર્મસિંહ ગોહિલ (રહે. પાદરા, જી. વડોદરા) ના એચ.ડી.એફ.સી. (HDFC) બેંકના ખાતામાં આરટીજીએસ દ્વારા બારોબાર ટ્રાન્સફર કરી દીધા હતા.

આ સમગ્ર મસમોટા કૌભાંડ અને મામલાની જાણ ફરિયાદીને ત્યારે થઈ જ્યારે તેમણે વર્ષ 2025ના અંતમાં બેંકમાં રૂબરૂ જઈને પોતાની પેન્શન સ્કીમ અંગે તપાસ કરી હતી. આરોપી જયેશકુમાર લીંબાભાઈ પરમાર (રહે. વેદા-02 ફ્લેટ, એલેમ્બિક કિઆરા એપાર્ટમેન્ટ, વડોદરા) અને તેના મિત્ર સુજીતસિંહે ભેગા મળીને વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડી આચરી હોવાનું સત્તાવાર સામે આવ્યું છે. હાલ વડોદરા પોલીસે આ ગંભીર નાણાકીય ગુના અંગે કાયદેસરની કડક કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments