- ગૂગલ પરથી મળેલો કસ્ટમર કેર નંબર સાયબર ઠગનો નીકળ્યો
- અજાણ્યા શખ્સે વોટ્સએપ કોલથી વિશ્વાસમાં લીધા હતા, ફેક UPI ID અને પિન મારફતે ખાતું ખાલી કર્યું
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને રેલવેમાંથી સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા 60 વર્ષીય વ્યક્તિને ફોનપે (PhonePe) નું ફેલ થયેલું 5,500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન રિફંડ કરાવવાના બહાને સાયબર ઠગોએ 81,360 રૂપિયા પડાવી લીધા છે. સાયબર ભેજાબાજોએ ફેક UPI ID માં રકમ ટ્રાન્સફર કરાવીને આ છેતરપિંડી આચરી હતી. આ મામલે સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે ગોરવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગોરવા પંચવટી પાસે રહેતા આ સિનિયર સિટીઝન SBI માં પેન્શનનું ખાતું ધરાવે છે. ગત તા. 23 સપ્ટેમ્બરે બપોરે તેમના ફોનપે પરથી કરેલું 5,500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હતું, પરંતુ બેન્ક ખાતામાંથી રકમ કપાઈ ગઈ હતી. આ અંગે તેઓ છાણી SBI ની બ્રાન્ચમાં ગયા હતા, જ્યાં બેન્ક કર્મચારીએ UPI સંબંધિત ઓનલાઈન ફરિયાદ કરવા જણાવતાં તેઓ ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ તેમણે ગૂગલ પર 'UPI કસ્ટમર કેર નંબર' સર્ચ કરતાં પ્રથમ આવેલી લિંક પરથી એક નંબર મેળવ્યો હતો. આ નંબર પર ફોન કરતાં સામેવાળાએ પોતે UPI કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી 5,500 રૂપિયા પરત કરાવી આપવાની ખાતરી આપી હતી.
આ દરમિયાન અજાણ્યા શખ્સે ફોન પર કેટલીક પ્રક્રિયા કરવાનું કહેતા સિનિયર સિટીઝનને શંકા ઉપજી હતી અને તેમણે ફોન કાપી નાખ્યો હતો. જોકે, થોડીવાર બાદ તે જ ઠગનો વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેવાળાએ રિફંડની પ્રક્રિયા ચાલુ હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ફોનપેમાં 'hufyui@ibl' નામનું એક અજાણ્યું અને ફેક UPI ID નાખી રિફંડ મેળવવા માટેની પ્રોસેસ કરવા જણાવ્યું હતું.
ઠગના કહેવા પ્રમાણે સિનિયર સિટીઝને UPI ID નાખી આગળની પ્રક્રિયા કરી અને જેવો પોતાનો UPI PIN દાખલ કર્યો, કે તરત જ તેમના SBI ખાતામાંથી 81,360 રૂપિયા ઉપડી ગયા હતા. બેંકની YONO એપમાં બેલેન્સ ચેક કરતાં પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક SBI બેંકમાં પહોંચ્યા હતા અને સાયબર હેલ્પલાઇન 1930 પર આ ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે ગોરવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ઠગોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.


