તાંદળજામાં છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાના આક્ષેપ સાથે રહીશોનો વિરોધ

મ્યુનિ. અધિકારીઓને દૂષિત પાણી પીવડાવવાની ચીમકી આપી

MailVadodara.com - Residents-protest-in-Tandalja-alleging-contaminated-water-problem-for-the-last-one-year

- લીમડી ફળિયા, ગરાસિયાવાડમાં છેલ્લા એક વર્ષથી સમસ્યા

શહેરના તાંદળજામાં આવેલા લીમડીફળિયા અને ગરાસિયાવાડમાં છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાના આક્ષેપ સાથે રહીશોએ એકત્ર થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી છે.

રહીશોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી અને લોકોને હજુ પણ કાળા રંગનું તથા દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે.

એમણે ઉમેર્યું કે પાણીની લાઈનમાં ગટરના પાણી ભળી જતાં નળમાંથી આવતું પાણી ઉપયોગમાં લેવા યોગ્ય રહેતું નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો આવ્યો નથી અને લોકોને પીવાના પાણી માટે પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે.

વધુમાં ઉમેર્યું કે દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ચામડીના રોગો ઉપરાંત, ઝાડા-ઉલટીના કેસો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગે પોતાની જવાબદારી એકબીજા પર ઢોળતા સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી અને તેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે.

આગામી આઠ દિવસમાં દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને આ જ દૂષિત પાણી પીવડાવશે તેવી ચીમકી આપી છે.

Share :

Leave a Comments