- સ્થાનિક કાઉન્સિલરોને અનેક રજૂઆત છતાં પ્રશ્ન હલ ન થતાં ભારે રોષ જોવા મળ્યો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓના લોકો છેલ્લા ઘણાં દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો સહિત સંબંધિત વિભાગોને અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન મહિલાઓએ સોસાયટીની બહાર માટલા ફોડી તંત્ર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને પાણીના પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે લાવવામાં નહીં આવેત તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.


અક્ષતા સોસાયટીમાં રહેતા પૂર્ણીમાબેન સિંધકરે જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી અમારી સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે. કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યાનો નિકાલ લાવવા ખાડા ખોદે છે પરંતુ નિરાકરણ લાવતા નથી. લોકો સમયસર વેરો ભરે છે. પરંતુ, તેની સામે પાણી જેવી જીવન જરૂરી સુવિધાઓ મળતી નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતા આજે અમારે મહિલાઓને તંત્રને જગાડવા માટલા ફોડવા પડ્યા છે.

સ્થાનિક ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અક્ષતા સોસાયટીના લોકો છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો મનોજ પટેલ, બંદીશ શાહ, શ્વેતાબેનને રજૂઆત કરવા છતાં અમારા વિસ્તારમા પાણીનો પ્રશ્ન હલ થતો નથી. કોર્પોરેશન પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે. અમે નિયમિત વેરો ભરવા છતાં કોર્પોરેશન પાણી જેવી જીવન જરૂરી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે.


